BJP ભુજ કોઈ પણ રાજકીય પક્ષ માટે લોકસંપર્ક હેતુ સુવિધાજનક કાર્યાલય હોવું જરૂરી બને છે. પાર્ટીના કાર્યને લયબદ્ધ કરવાનું કામ કરવાનું સ્થળ એટલે કાર્યાલય તેવી લાગણી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે વ્યક્ત કરી હતી. આજે સવારે જિલ્લા મથક ભુજ ખાતે ૧૩૦૦ વાર જગ્યામાં ૧૪૦૦૦થી વધુ સ્કવેર ફીટ બાંધકામ સાથે નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલયનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
BJP વર્ષ ર૦રરમાં ૧૪મી મેના કાર્યાલયનું ખાતમુહૂર્ત પણ પ્રદેશ અધ્યક્ષના હસ્તે જ કરાયું હતું. માત્રે એક વર્ષના ટૂંકા સમયગાળામાં આધુનિક સુવિધા સજ્જ કાર્યાલયના નિર્માણ બદલ તેમણે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કેશુભાઈ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ૭૦૦ જિલ્લાઓ અને મહાનગરોમાં પાર્ટીના સુવિધાજનક કાર્યાલયના નિર્માણ થવાનું સ્વપ્ન નિહાળ્યું હતું, જેને મૂર્તિમંત કરવા તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી અમીતભાઈ શાહે બીડું ઝડપ્યું હતું. વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નેતૃત્વમાં દેશના તમામ જિલ્લાઓમાં મોટાભાગે ભાજપના કાર્યાલયનું નિર્માણ થઈ ચુક્યું છે. બાકી રહેતા જિલ્લાઓમાં નિર્માણનું કાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યું છે. કચ્છ જિલ્લામાં ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્ત વખતે જ સાડા પાંચ કરોડના માતબર અનુદાનની જાહેરાત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક સંગઠનના યોગદાન થકી ભવ્ય ભવનનું નિર્માણ થયું છે.
BJP જે બદલ તેમણે જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. નવનિર્મિત કાર્યાલયથી પાર્ટીને લોકસંપર્કના કાર્યમાં સુવિધા થશે. આ તકે તેમણે પાર્ટી કાર્યકરોને લોકસંપર્કના માધ્યમથી પાર્ટીને વધુ મજબૂત કરવા આહવાન કર્યું હતું.
શ્રી પાટીલે ગત વિધાનસભા ચૂંટણીમાં કચ્છની તમામ છ બેઠકો પર ભાજપના ઉમેદવારના વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવો જાેઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કચ્છ પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા દેશના વડાપ્રધાન મોદી પર કચ્છના મતદારોએ વિશ્વાસ વ્યક્ત કરી ખોબેખોબે મત આપ્યા હતા. વડાપ્રધાન મોદી અને કચ્છના મતદારો ઉપરાંત પાર્ટી કાર્યકરોની જહેમતની તેમણે ભરપુર સરાહના કરી હતી.BJP વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૯ વર્ષમાં થયેલા કાર્યોની ઝલક તેમણે પોતાના સંબોધનમાં વણી લીધી હતી. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો ઉલ્લેખ કરી તેમણે કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા.
દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ પર અંકુશ, કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩પ-એની કલમની નાબુદી, કેદારનાથ મંદિરના જીર્ણોદ્વાર, મહાકાલ કોરીગેરના નિર્માણ, રાજકોટ સહિત ૭ એઈમ્સની સ્થાપના, અંબાજી – પાવાગઢ મંદિરના જીર્ણોદ્વાર, સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીના નિર્માણ સહિતના કાર્યોની છણાવટ કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦રરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાતમાં મળતા સંતોષથી તેમણે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે ૧પ૬ બેઠકો સાથે પર્યાય સાબિત થયો હતો. આ રીતે જ આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપ BJP પોતાના કાર્યકર્તાઓના બળે ૪૦૦ બેઠક સાથે જંગી જીત મેળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ અવસરે કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે ખાતમુહૂર્ત બાદ ખુબ જ ટૂંકા સમયગાળામાં પાર્ટીના નવા આધુનિક કાર્યાલયનું નિર્માણ જિલ્લા સંગઠને પૂર્ણ કર્યું છે. તે બદલ તેમણે પાર્ટી સંગઠનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યાલયના નિર્માણમાં જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ કેશુભાઈ પટેલના યોગદાનનની સરાહના કરી હતી.
લોકાર્પણ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, રજનીભાઈ પટેલ, સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા, અનિરૂદ્ધ દવે, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્ય, જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો વાસણભાઈ આહિર, રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજીભાઈ હુંબલ, શિતલ શાહ, ભુજના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ડો. મુકેશ ચંદે, દિલીપ શાહ, શંકરભાઈ ઠક્કર, અશોક હાથી, રાહુલ ગોર, બાલકૃષ્ણ મોતા, જયદીપસિંહ જાડેજા, જયંત ઠક્કર, વસંતભાઈ કોડરાણી, તાપસ શાહ, અરૂણભાઈ વચ્છરાજાની, ગોદાવરીબેન ઠક્કર, વંદના પીઠડિયા, જાગૃતિબેન ઠક્કર, પંકજભાઈ ઠક્કર, જીવાભાઈ આહિર, કૌશલ્યાબેન માધાપરિયા, જયંત માધાપરિયા, ધીરેન લાલન, કૌશલ મહેતા, જયસુખ પટેલ, કમલ ગઢવી, અશોક પટેલ, રાજેશ ગોર, વીજુબેન રબારી, કિરણબેન ગોસ્વામી, ડોલરરાય ગોર વગેરે ઉપરાંત જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.