વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ટાઉનહોલ ભુજ ખાતે યોજાયો હતો.
પ્રાસંગિક પ્રવચનમાં અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે, રાજયના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકામાં થઇને ૩૭ ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહયા છે. રાજયનો ૧૩મો ગરીબ કલ્યાણ મેળા પૈકી આજે કચ્છ ભુજમાં રૂ.૯૩ કરોડથી વધુની સાધન સહાય વિતરણ જિલ્લાના ૮૮૦ લાભાર્થીઓને કરવામાં આવશે.
નાના અને વંચિત માણસોને પગભર કરવા યોજાતા આ મેળા આત્મનિર્ભર ભારત સાકાર કરવા મહત્વપૂર્ણ છે. દરેક હાથને કામ અગત્યનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની હરોળમાં દરેક વર્ગને દરેક ક્ષેત્રમાં તકો આપવા વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.
યુવાનો અને રોજગાર વાંચ્છુઓને કૌશલ્યયુકત બનાવી સરકારે રોજગારીની વિવિધ તકો ઉભી કરી છે. જે પૈકી આવા મેળાઓ થકી રોજગારીના વિવિધ સાધન સહાય સામગ્રી અને ચેક વિતરણ કરવામાં આવે છે. મહિલાઓ અને રોજગાર ઈચ્છતા સૌ માટે વિવિધ સાધન સહાય અને લોન સહાય આપી સરકારે પ્રજાની આર્થિક ઉન્નતિના પ્રયત્નો આદર્યા છે. કામ કરવા માટે જે મદદ જોઇએ છે તે સરકાર કરે છે. ગરીબ કલ્યાણ મેળામાં રોજગારી ઈચ્છતા લોકોને સ્વતંત્ર રીતે રોજગારી તત્કાળ ઉભી થાય તેવી સાધન સહાય અપાય છે. પ્રજાને આત્મનિર્ભર બનાવવાના ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અપાતી સહાયના પ્રયાસોને લાભાર્થીઓ પોતે નિષ્ઠાપૂર્વક સાકાર કરવા પડશે.
Bhuj:ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨
લાભાર્થીઓને અનુરોધ કરતા અધ્યક્ષાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મળેલી સહાયનો આયોજનપૂર્વક નિષ્ઠાથી ઉપયોગ કરી વિકાસની હરોળમાં જોડાવ. વિકાસ સાથે સુરક્ષા અને સલામતી માટેના સરકરના વિવિધ કામો અને આયોજનની વાત આ તકે અધ્યક્ષાશ્રીએ વિગતે કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇની દુરંદેશી અને કોરોના મહામારી સમયે કરેલા સફળ કામોની પણ અધ્યક્ષાશ્રીએ રજુઆત કરી હતી.
કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજય સરકારની વિવિધ યોજનાનો સીધો લાભ લાભાર્થીઓને પહોંચે તે માટે ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અને પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી હાઉસીંગ લોન, પંડિત દિનદયાળ આવાસ, બાજપાઇ બેંક લોન, સરસ્વતી સહાય યોજના, વિધુત સંચાલિત ચાફ કટર સહાય યોજના, અંત્યોદય સહાય યોજના, ઈન્દિરા આવાસ યોજના જેવી વિવિધ યોજના તેમજ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યાણકારી યોજનાઓનો પ્રજા માટે આરંભ કર્યો છે.
અંત્યોદયથી સર્વોદયના પં.દિનદયાળ ઉપાધ્યાયના વિચારોથી પ્રેરણા લઇ વડાપ્રધાનશ્રીએ ગરીબોને વંચિતોને છેવાડાના વિકાસની હરોળમાં લાવવાના પ્રયત્નો આરંભ્યા છે. સરકાર વિવિધ પ્રાથમિક સુવિધાઓ અને જનતાના સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો પણ વિચાર કરે છે.
દરેક વર્ગ દરેક ક્ષેત્ર માટે પ્રજા કલ્યાણકારી યોજનાઓ તો છે જ પરંતુ ઉપયોગી નીત નવી યોજનાઓ પણ અમલી કરાવાય છે. સ્વાનુભાવ અને મહાપુરૂષોના અનુભવોના આધારે વડાપ્રધાનશ્રીએ સરકારમાં જે યોજનાઓ બનાવી છે તેનો લાભ લઇ વિકાસમાં અગ્રેસર બનો એમ પણ સાંસદશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે.રાઠોડે જણાવ્યું હતું કે, રાજયનો ૧૩મો અને રાજયમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહયા છે ત્યારે રાજય સરકારની વિવિધ ગરીબલક્ષી સહાય યોજનાઓ જેવી કે, કિસાન ક્રેડિટ, દિવ્યાંગ સાધન સહાય, માનવ કલ્યાણ યોજના, શ્રી બાજપાઇ બેંકેબલ યોજના, સ્વસહાયજુથોને કેશ ક્રેડિટની ફાળવણીઓને છેવાડાના વંચિત લોકો સુધી પહોંચાડવાનો સામુહિક પ્રયત્ન કરીએ.
આ તકે મંચસ્થ મહાનુભાવોએ લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાની સાધન સહાય અને ચેક વિતરણ કર્યા હતા તેમજ અધ્યક્ષાશ્રીએ દિવ્યાંગ લાભાર્થી વજીર મહોમ્મદ સીદિકને સ્ટેજ પાસેથી વ્હીલચેર આપી હતી.
આ તકે સૌએ મતદાનવિધિના શપથ લીધા હતા તેમજ અધ્યક્ષાશ્રીએ ટાઉનહોલના પ્રાંગણમાં લાગેલા EVM નિદર્શનકક્ષની મુલાકાત લઇ જાત માહિતી મેળવી ઉપસ્થિતોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમની આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારશ્રી અને ગરીબ કલ્યાણ મેળાના લાયઝન અધિકારીશ્રી રોહિતભાઇ બારોટે કરી હતી.
આ તકે ઉપસ્થિતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ગીર સોમનાથ ખાતેના ગરીબ કલ્યાણ મેળાના જીવંત પ્રસારણમાં જોડાયા હતા તેમજ પંચાયત વિભાગની યોજનાઓ અને ગરીબ કલ્યાણ મેળાની ફિલ્મોને માણી હતી. સ્વરડાન્સ એકેડમીના કલાકારોએ કચ્છી અને અઠીંગો નૃત્ય ગરબો અને ગુજરાત ગાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, કલેકટરશ્રી દિલીપકુમાર રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેષ પંડયા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહાટ, શહેર મામતલદારશ્રી કલ્પનાબેન ગોરડીયા તેમજ જિલ્લા પદાધિકારીશ્રી, સર્વશ્રીઓ, લાભાર્થીઓ અને વિવિધ વિભાગોના કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.
#Bhuj #kutch #bjp