કોંગ્રેસમાં દાવેદારો મેદાનમાં પરંતુ નામ બંધ કવરમાં જોવા મળ્યા ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા એક માત્ર મહુવામાં જ આગામી વિધાનસભાની ચૂંટણી માટે નામ જાહેર કર્યું છે. અન્ય બેઠકો માટે જાણે પક્ષમાંથી મૌખિક સુચના અપાઈ ગઈ હોય તેમ દાવેદારો દોડતા થયા છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર જિલ્લાની સાત પૈકી ભાવનગર ગ્રામ્ય સીવાયની તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ભાજપની જેમ કોંગ્રેસ પણ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ઉમેદવારો જાહેર કરવાના હોય તેમ મહુવામાં કનુભાઈ કળસરીયા સિવાય તમામ બેઠકો પર સત્તાવાર નામો જાહેર કર્યા નથી.
પરંતુ જાણે કોંગ્રેસ પક્ષમાંથી જ ચૂંટણી લડવા તૈયાર રહેવા સુચિત કર્યા હોય તેમ કોંગ્રેસના આગેવાનો દોડી રહ્યા છે. ભાવનગર પૂર્વમાં પણ કોંગ્રેસમાં હાલમાં જિલ્લા પંચાયતના સભ્ય બળદેવ સોલંકી, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ગત ટર્મમાં પણ કોંગ્રેસના ઉમેદવાર રહેલા નીતાબેન રાઠોડ અને જીતુભાઈ ઉપાધ્યાયના નામ ચર્ચામાં છે. તેમજ દાવેદારો દ્વારા ગ્રુપ મીટીંગો પણ શરૂ કરી દીધી છે. ભાવનગર પશ્ચિમમાં પણ કે. કે. ગોહિલ દ્વારા કાર્યક્રમો કરી તેમજ સામાજિક કાર્યકરો ટિકિટને લઈને કામગીરી માં લાગ્યા છે . આમ હાલ ઉમેદવાર ટિકિટની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે .