રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતા વધી છે.
કેટલાક સ્થળે માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે માહિતી મળી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સોમવારે થયેલા કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, લગભગ 1 લાખ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, સોમવારે, રાજ્યભરમાં વિવિધ સ્થળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કચ્છ, ભૂજ સહિતના વિવિધ વિસ્તારોમાં તો અચાનક વાતાવરણમાં પલટો થતા ભારે પવન ફૂંકાયા હતા અને કરા પણ પડ્યા હતા. રાજ્યના હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડર સ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેવાની શક્યતા છે. સોમવારે ભારે પવન અને વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કેરીના પાકના મોરવા પણ તૂટી પડ્યા હતા. ત્યારે હવે રાજ્ય સરકાર ઝડપથી સરવે કરીને નુકસાન થયેલા પાક માટે સહાય ચૂકવે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં કરા પડવાની શક્યતા
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજકોટ, અમરેલી અને બનાસકાંઠામાં કરા પડવાની પણ સંભાવના છે. જ્યારે અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની પડવાની આગાહી છે. ઉપરાંત, સુરત, ડાંગ, વલસાડ, નવસારી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ સામાન્ય વરસાદ થવાની આગાહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, હાલ અમદાવાદમાં 36.4 ડિગ્રી, ગાંધીનગરમાં 37 ડિગ્રી અને ભુજમાં 38.4 ડિગ્રી નજીક તાપમાન નોંધાયું છે.