
અમદાવાદ શહેરમાં શુક્રવારે વહેલી સવારે એક ચકચારી ઘટના સામે આવી છે. સોલા વિસ્તારમાં બેવડી હત્યા નો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારના થલતેજ પાસે આવેલા શાંતિ પેલેસમાં વહેલી સવારે એક વૃદ્ધ દંપતીની હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે સવારથી ત્રણથી ચાર લોકો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. સિનિયર સિટીઝનની આવી રીતે હત્યા કરવામાં આવે છે ત્યારે અનેક સવાર ઊઠી રહ્યા છે. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.
અચાનક સવારના ૮.૩૦ વૃદ્ધ દંપતીની હત્યાએ ચકચાર મચાવી છે. આ ઘટના અમદાવાદ ના પોશ વિસ્તાર સોલા માં શાંતિવન પેલેસની છે જ્યાં સવારમાં લૂંટના ઈરાદે બે સિનિયર સિટિઝન એવા અશોક પટેલ અને જ્યોત્સના પટેલ નામના દંપતીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે બનેલી આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકાથી પ્રાથમિક તપાસ શરુ કરી છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક અશોક પટેલ અને જ્યોત્સનાબેન પટેલ ઘરે એકલા રહેતા હતા. પરિવારના અન્ય સભ્યો બહાર રહેતા હોવાનું સામે આવ્યું છે. અશોકભાઈનો પુત્ર ચાર-પાંચ વર્ષથી દુબઈ રહેતો હોવાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે તેમના ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસે FSL સહિત અન્ય લોકોની મદદ લઈને તપાસ તેજ કરી છે.
સોસાયટીમાં ભયનો માહોલ
સોલાના શાંતિવન પેલેસ ના ૨ નબર ના બંગલામાં હત્યા નો બનાવ બન્યો હતો ત્યારે બંગલામાં ૧ માં રહેતા પાડોશી મનિષાબેને જણાવ્યું કે હું રોજ સવારે ચાલવા જઉ છું. ચાલીને પરત આવું ત્યારે અશોક કાકા ગાડી જ સાફ કરતા હોય છે અને ગાડીમાં જૂના ગીતો પણ વગાડતા હોય છે..આજે પણ હું ચાલીને આવી ત્યારે અશોક કાકા ગાડી સાફ કરતા હતા પણ ગીતો નહોતા વાગતા જેથી મેં તેમને પૂછ્યું કે ગીતો કેમ બંધ છે તો તેમણે કહ્યું કે ગાડીમાં મચ્છર આવી જાય છે. જે બાદ હું અંદર ગઈ તો કાકી જોડે વાત થઈ.તેમને કહ્યું કે તું નાહી લે પછી આપણે ચકરી બનાવી.
પાડોશીઓ સાથે વાતચીત કર્યાના થોડા સમયમાં જ મૃત હાલતમાં મળ્યા
ઝાયડ્સથી બાગબાન પાર્ટીપ્લોટ તરફ જતા રસ્તા પર આવેલી શાંતિવન પેલેસના વૈભવી બંગલોમાં રહેતા વૃદ્ધ દંપતીનો દીકરો હેતાર્થ પટેલ દુબઇ અને દીકરી મેઘા સાસરે હોવાથી આ દંપતી એકલું રહેતું હતું. રોજની જ્યોત્સનાબેન સવારે વહેલા મોર્નિંગવોક પર ગયા હતા અને તે સમયે ગુનેગારો ઘરમાં ઘુસી ગયા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. ત્યાર બાદ જોશના બા(પડોશીઓ જોશના બા કહીને સંબોધે છે) પરત આવ્યા ત્યાર બાદ પાડોશી મનિષાબને સાથે પાપડી બનાવવા માટે વાત કરી હતી. પરંતુ થોડા સમયમાં તો તેમના મોતની ખબર સામે આવતા પાડોશીમાં પણ ભય ફેલાયો હતો. આ દરમિયાન મૃતકની અમદાવાદમાં રહેતી દીકરી ત્યાં આવી પહોંચી અને માતા-પિતાને મૃત હાલતમાં જોઈને ભાગી પડી હતી.
એક સમયે મૃતક પ્લાયવૂડના મોટા વેપારી હતા
આ અત્યંત પોશ વિસ્તારના મેઇન રોડને અડીને આવેલા બંગલોમાં રહેતા અશોકભાઈ પટેલ અને તેમના પત્ની જ્યોત્સનાબેન લોક ડાઉન સમયમાં દીકરા હેતાર્થના ઘરે દુબઈ રહેતા હતાં. તેમની દીકરી મેઘા નારણપુરા વિસ્તારમાં સાસરીમાં રહે છે. અશોકભાઈ અગાઉ પ્લાયવૂડના મોટા વેપારી હતા. દીકરો ભણીને પહેલા નોઈડા અને ત્યાર બાદ દુબઈ સેટ થઈ જતા તેઓ નિવૃત્ત જીવન જીવતા હતા.
વૃદ્ધ દંપતીની હત્યા કરીને ચોર નાસી છૂટ્યા
વોચમેન તેમને પકડે તે પહેલા જ તેઓ નાસી છૂટ્યા હતા. જેથી લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જે બાદ તેને પડોસીઓને જાણ કરી હતી. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ શખ્સોએ વૃદ્ધ દંપતીનું ગળું કાપીને હત્યા કરી છે અને ગાડી પણ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.