ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા અને ક્ષત્રિય સમાજના આગેવાન ઉદેસિંહ ચૌહાણનું આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે સ્વાગત કર્યું
AAP : આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને સંગઠનની વધુ એક યાદી જાહેર કરી છે. આ પાંચમી યાદીમાં સ્ટેટ લેવલે, પ્રદેશ કક્ષાએ 50થી વધારે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ 1,000થી પણ વધારે તથા વિધાનસભા કક્ષા અને અન્ય ક્ષેત્રે એમ કુલ 2,000થી પણ વધારે પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે.
AAP : ભાજપના નેતાઓને રાવણ જેવા અહંકારી ગણાવ્યા
આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈટાલિયાએ રાવણને સત્તાનો નશો મગજ પર ચઢ્યો ત્યારે રામરૂપી દૈવીશક્તિએ તેનો વિનાશ કર્યો હતો. એ રીતે ગાંધીનગરમાં બેઠેલા રાવણ જેવી માનસિકતા ધરાવતા ભાજપના નેતાઓને હરાવવા ભગવાને આમ આદમી પાર્ટીને જનતા વચ્ચે મુકી હોવાનું જણાવ્યું હતું.
ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્વખર્ચે ઝનૂનપૂર્વક ભાજપના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ ગોપાલ ઈટાલિયાએ ભારત સરકારના આઈબીના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બહુ પાતળી બહુમતી સાથે સરકાર બનાવી શકે છે તેવો પણ દાવો કર્યો હતો.
AAP : પૂર્વ કોંગ્રેસી નેતાનું સ્વાગત
ત્યાર બાદ ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા અને ક્ષત્રિય સમાજના આગેવાન ઉદેસિંહ ચૌહાણને આમ આદમી પાર્ટીમાં ખેસ પહેરાવીને વિધિવત રીતે આવકાર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય નેતાઓ માટે પક્ષપલટો કરવાની સીઝન ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામુ આપનારા મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપ-પ્રમુખ અને ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા ઉદેસિંહ ચૌહાણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
AAP : ઉદેસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટીમાં સારી શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો સામેલ થઈ રહ્યા છે અને ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ સામે આપની ઈમાનદાર સરકાર રચાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપમાં 3 પાસ, 7 પાસ લોકો હોય છે જ્યારે આપમાં ગ્રેજ્યુએટ લોકો જોડાઈ રહ્યા છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.