વેરાવળના આંબલિયાળા ગામએ આધેડ ઉપર થયેલ ખાનગી ફાયરીંગ પાછળ પ્રેમ પ્રકરણ હોવાનો ઘટસ્ફોટ થયો

વેરાવળ તાલુકાના આંબલિયાળા ગામએ બે દિવસ પહેલા આધેડ ઉપર થયેલ ફાયરીંગની ઘટના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થવાની સાથે ફાયરીંગ કરનાર આરોપીને પોલીસે દિલ્હીના ફરીદાબાદથી ઝડપી લીધો છે. પકડાયેલ આરોપી યુવકના પ્રેમ વિષે આધેડએ તેના મિત્ર એવા યુવતીના પિતાને જાણ કરી હતી. જેનો બદલો લેવા સ્પોર્ટ બાઈક ઉપર આવી ફાયરીંગ કર્યાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો છે. બે દિવસ પહેલા બપોરના સમયે વેરાવળ તાલુકાના આંબલિયાળા ગામે વાડી વિસ્તારમાં ઘર તફર જઈ રહેલા મંડપના ધંધાર્થી નગાભાઈ બાંભણીયા નામના આધેડ ઉપર હેલ્મેટ પહેરીને આવેલા શખ્સે એક રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટના બની હતી.

જેમાં ગંભીર રીતે ઘવાયેલા નગાભાઈને સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા. આ મામલે તેમની ફરીયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમોએ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી હતી. દરમ્યાન ફરીયાદી નગાભાઈએ આપેલ નિવેદનના આધારે સુખદેવ ઓડેદરા (ઉ.વ.30) નામના યુવક પર પોલીસની શંકા દ્રઢ બની હતી. જેમાં આગળ તપાસ કરતા પોલીસની શંકા સાચી ઠરતી જણાતા આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન આરોપી સહદેવ ઓડેદરાનું લોકેશન મળતા દિલ્હીના ફરીદાબાદથી ઝડપી લઈ અત્રે લાવવામાં આવી રહ્યો છે. આરોપી સહદેવ ફાયરીંગની ઘટનાને અંજામ આપ્યા બાદ બાઇકમાં રાજકોટના શાપર સુધી ગયા બાદ ત્યાં બાઈક મુકી દીધું હતુ.

બાદમાં કોઈ વાહનમાં અમદાવાદ પહોંચેલ અને ત્યાંથી બાય પ્લેન દિલ્હીના ફરીદાબાદ પહોંચી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ ફાયરીંગ કરવા પાછળનું કારણ સહદેવનું પ્રેમ પ્રકરણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં ફરીયાદી નગાભાઈની મિત્રની દિકરી સાથે સહદેવને પ્રેમ હતો. જેની જાણ નગાભાઈને થતા તેમણે તેના મિત્રની વાત કરી હતી. જેનો બદલો લેવા માટે સુખદેવએ સ્પોર્ટ બાઈક ઉપર આવી નગાભાઈની પાછળથી રિવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કર્યુ હતુ. આરોપી સહદેવ ઓડેદરા મૂળ પોરબંદરનો હોવાનું સામે આવ્યુ છે. જો કે, સંભવતઃ આજે સાંજે આરોપીને વેરાવળ લઈ આવ્યા બાદ પોલીસ પત્રકાર પરીષદ યોજી વધુ વિગતો જાહેર કરશે તેવું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *