
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનું બ્યુગલ વગાડતાં કહ્યું હતું કે અગાઉની સરકારો પ્રોજેક્ટનો પાયો નાખતી હતી અને ચૂંટણી પછી તેને પૂર્ણ કરવાનું ભૂલી જતી હતી. તેમણે જણાવ્યું હતું કે પરંતુ અમારી સરકાર શિલાન્યાસ અને ઉદ્ઘાટન બંને કરે છે. મોદીએ તેમના ભાષણની શરૂઆત જય માતા નૈના દેવીજીના નારા સાથે કરી હતી. આ મંદિર બિલાસપુર જિલ્લામાં છે. તેમણે દશેરાની શુભકામનાઓ પણ આપી હતી.
વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરે છે
પીએમ મોદીએ કહ્યું કે, ભાજપ સરકાર માત્ર શિલાન્યાસ જ નથી કરતી પરંતુ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરે છે. તેઓ એઈમ્સ અને હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યા બાદ લુહનુ મેદાન ખાતે રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે 2017માં આ સંસ્થાઓનો શિલાન્યાસ કર્યો હતો. રાજ્યમાં આગામી બે મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. મોદીએ હોસ્પિટલ અને કોલેજ શરૂ કરવા ઉપરાંત અન્ય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ 3,650 કરોડ રૂપિયાના છે. રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અહીં આયોજિત રેલીમાં વડાપ્રધાનને પરંપરાગત સંગીત વાદ્ય ‘રણસિંગુ’ રજૂ કર્યું. મોદીએ તેને વગાડ્યું અને પછી કહ્યું, ‘તે ભવિષ્યની દરેક જીતની શરૂઆત છે.’

બિલાસપુરને બેવડી ભેટ મળી
વડાપ્રધાને કહ્યું કે, એઈમ્સ અને હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજના ઉદ્ઘાટન સાથે બિલાસપુરને વિકાસની બેવડી ભેટ મળી છે. તેમણે કહ્યું, ‘હું ભાગ્યશાળી છું કે હું હિમાચલ પ્રદેશની વિકાસ યાત્રાનો ભાગ બન્યો છું. રાજ્યમાં વિકાસ એટલા માટે શક્ય બન્યો છે કારણ કે અહીંના લોકોએ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપ સરકારને મત આપ્યો છે. હિમાચલ પ્રદેશ રાષ્ટ્ર સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને હવે બિલાસપુરમાં નવી AIIMS સાથે, તે જીવન સુરક્ષામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હિમાચલ પ્રદેશમાં 2014માં માત્ર ત્રણ મેડિકલ કોલેજ હતી. છેલ્લા આઠ વર્ષમાં વધુ આઠ મેડિકલ કોલેજ અને એઈમ્સની સ્થાપના કરવામાં આવી છે. મેડિકલ ટુરિઝમથી રાજ્યને ઘણો ફાયદો થઈ શકે છે.’
નડ્ડાએ પૂછી લીધો જનતાને સવાલ
રેલીમાં ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડાએ પૂછ્યું કે શું કોંગ્રેસના કોઈ વડાપ્રધાને શિલાન્યાસ કર્યો હતો અને પછી તે જ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું? મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે હિમાચલ પ્રદેશને વડાપ્રધાન તરફથી 10,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ મળ્યા છે.

ડ્રોન પોલિસી બનાવવા બદલ આપ્યા અભિનંદન
વડા પ્રધાને હિમાચલને ડ્રોન નીતિ ઘડનાર પ્રથમ રાજ્ય બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ડ્રોનનો ઉપયોગ દવાઓ અને અન્ય સામાનના પરિવહન માટે કરવામાં આવશે. તેમની સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરળ જીવન સુનિશ્ચિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હિમાચલ તકોની ભૂમિ છે, અહીં વીજળી ઉત્પન્ન થાય છે, ફળો અને શાકભાજી માટે ફળદ્રુપ જમીન અને અનંત રોજગારીની તકો પ્રદાન કરતુ પર્યટન અહીં છે.