વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગના રાજકીય સચિવ પર ધર્માંતરણમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમાંગના રાજકીય સચિવ જેકબ ખલિંગ રાય સિક્કિમમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે તેમના પદનો ઉપયોગ કરી રહ્યા છે.
VHP નેતા આલોક કુમાર પણ વરિષ્ઠ વકીલ છે. તેમણે કહ્યું, “સિક્કિમના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર સુબ્બા મને મળ્યા. આ દરમિયાન તેમણે સિક્કિમમાં ખ્રિસ્તી ધર્મ અને સંસ્થાઓના પ્રચારમાં જેકબ ખલિંગ રાયની સંડોવણી વિશે મને માહિતી આપી. જાણવા મળ્યું છે કે રાય તેમના પદનો ઉપયોગ રાજ્યમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કરી રહ્યા છે.”
‘રાજકીય સચિવનું કામ પાદરી કરતા અલગ’
આલોક કુમારે કહ્યું કે તેઓ આ મામલે ગૃહમંત્રી શાહનું ધ્યાન દોરવા માંગે છે. તેમણે કહ્યું, “મારું માનવું છે કે મુખ્યમંત્રીના રાજકીય સચિવનો કાર્યભાર અને ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં સામેલ પાદરીઓની ફરજો અલગ-અલગ હોય છે. તેને એકબીજા સાથે મિક્સ કરવાથી બચવાની જરૂર છે.
આશા વર્કરોના પગારમાં વધારો કરવાની જાહેરાત
બીજી તરફ, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ વર્ષે 1 ઓક્ટોબરથી આશા વર્કરોના માસિક પગારમાં 60 ટકાથી વધુનો વધારો કરીને 10,000 રૂપિયા પ્રતિ માસ કરવાની જાહેરાત કરી છે. હાલમાં આશા વર્કરોનો માસિક પગાર 6,000 રૂપિયા છે. સિક્કિમમાં લગભગ 700 આશા વર્કરો છે. તમાંગે બુધવારે મનન કેન્દ્ર ખાતે એક કાર્યક્રમની અધ્યક્ષતામાં આ જાહેરાત કરી હતી.