ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવા જઈ રહી છે? આ મોટો દાવો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ચૂંટણીના આ વર્ષ દરમિયાન ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના જંગમાં આ વખતે પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના રાજકારણમાં સતત સક્રીય જોવા મળી રહ્યા છે. બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા કેજરીવાલે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સીઆર પાટીલને લઈને મોટો દાવો કર્યો છે. સત્તાવાર રીતે કેજરીવાલે તેમના ટ્વિટર હેન્ડલ પરથી સીઆર પાટીલને લઈને મોટો દાવો કર્યો હતો. જો કે, ત્યાર બાદ અન્ય બીજેપી નેતાઓ દ્વારા કેજરીવાલ પર પણ પ્રહારો કરવામાં આવ્યા હતા. આમ સોશિયલ મીડિયા પર રાજકારણ ગરમાયું હતું.
અરવિંદ કેજરીવાલે ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખરાબ રીતે ડરેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવા જઈ રહી છે. શું ભાજપ આટલી ડરી ગયો છે? તેમ કેજરીવાલે કહ્યું હતું.
ત્યારે બીજેપી સ્પોક પર્સન ઋત્વિજ પટેલે કહ્યું કે, રાજકારણ અને લોકસેવા સૂત્રો દ્વારા કરવામાં આવતી નથી, રેવડીવાલ જી!!, બીજેપીની બહુ ચિંતા ન કરો અને લિકર મિનિસ્ટર અને તમારી ચિંતા કરો. રેવડીવાલજી પાસે કોઈ જવાબદારી નથી, બસ હવે સુત્રોની વાત કરીશું, સાચું જ કહ્યું છે કે ખાલી મન શૈતાનનું! તેમ તેમણે કહ્યું હતું આ ઉપરાંત અન્ય બીજેપી નેતા ભરત ડાંગરે કહ્યું કે, ગોફણથી બ્રહમોસ મિસાઈલ ના પડે. ગુજરાતીઓ હાથ લાંબો કરે તો આપવા માટે કરે, માંગવા માટે નહીં. આ ખમીરવંતા ગુજરાતીઓ આસામ, ગોવા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ કરતા પણ વધારે AAPની ડિપોઝીટ ગુલ કરાવીને વિક્રમ નોંધાવશે. આમ કેજરીવાલના ટ્વિટ બાદ રાજકારણ ગરમાયું હતું અને એક પછી એક નેતાઓએ આ મામલે તેમના પ્રત્યુત્તર ટ્વીટર પરથી જ આપી રહ્યા છે.