
અમદાવાદ અમિત શાહે મંગળા આરતી કરી, CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી; અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાના મનમોહક દૃશ્યો
અમદાવાદ: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના માહોલમાં શરૂ થઈ હતી. વહેલી સવારથી જ જગન્નાથ મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર “જય જગન્નાથ”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મંગળા આરતીમાં ભાગ લીધો અને દેશ-રાજ્યના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદવિધિ કરીને રથયાત્રાનું શુભ પ્રસ્થાન કરાવ્યું. આ ઐતિહાસિક વિધિ બાદ ભગવાનના રથો ભવ્ય શોભાયાત્રા સાથે નિર્ધારિત માર્ગ પર આગળ વધ્યા હતા.
રથયાત્રામાં ગજરાજોની શાહી સવારી, વિવિધ અખાડાઓ દ્વારા રજૂ કરાયેલા રોમાંચક કરતબો, ભજન મંડળીઓના હરિનામ સંકીર્તન, શણગારેલા રથો અને માર્ગ પર ઉભેલા લાખો શ્રદ્ધાળુઓની ભક્તિએ સમગ્ર માહોલને આધ્યાત્મિક રંગમાં રંગી દીધો હતો.
રથયાત્રાના સમગ્ર માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોએ ભક્તો માટે પીવાના પાણી, પ્રસાદ અને તબીબી સેવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાએ ભક્તિ, પરંપરા અને સાંસ્કૃતિક વૈભવનું ભવ્ય દૃશ્ય સર્જ્યું, જેના મનમોહક નજારાઓએ સૌનું મન મોહી લીધું.
