અહેવાલ:- કાર્તિક જાની
કોરોના બાદ હવે બ્લેક ફંગસ અને બાળકોમાં હવે MIS- C( મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટ્રી સિંડ્રોમ) જેવા કોવિડ રોગ નો સામનો આપણે કરી રહ્યા છીએ ત્યારે ગાતક તમાકુ ના નિષેધ પર પણ આપણે ગંભીર વિચાર કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે.
લોકડાઉન ના સમય માં તમાકુ ના વ્યસની લોકો ૧૦રૂપિયા ની પડીકીના ૧૦૦રૂપિયા ખર્ચ કરતા મેં જોયા છે. ત્યારે વિચાર આવે છે રૂપિયા ખર્ચી ને લોકો કેમ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે ..??..!!!
વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વભર માં ઉજવવામાં આવે છે.અને જન જાગૃતિ લાવવાના પ્રયાસો કરાય છે.અનેક સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા તમાકુ થી થતા રોગો વિષય પર લોકોને જાગૃત કરાવાના સહિયારા પ્રયાસ કરતા હોય છે.
તમાકુ નામનું વિષ ભારત સહિત લગભગ વિશ્ર્વમાં ફેલાઈ ચૂક્યુ છે. આ વિષનું નુકસાન ભારતને વધુ થઈ રહ્યું છે. આની પાછળ જવાબદાર માત્ર એક વ્યક્તિ નથી પણ સમાજ, સરકાર અને વ્યક્તિ પોતે પણ છે. તમાકુ જીવલેણ છે તે સૌને ખબર છે પણ તેની અસર કોઈના પર નથી. ભારત સહિત વિશ્ર્વના દેશો તમાકુ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. બીજી બાજુ આજ દેશોમાં તમાકુના વેપારીઓ તમાકુની પેદાશ વેચવા ભરપૂર પ્રયત્નો કરી રહ્યાં છે.આમાં જીત વેપારીઓની થઈ રહી છે.
જો આમને આમ ચાલશે તો ભારત ક્યારેય વ્યસનમુક્ત કે ધુમ્રપાન મુક્ત દેશ નહિ બની શકે ??
આવા અનેકો પ્રશ્નો વચ્ચે ભૂતાન એક એવો દેશ છે જે દુનિયાનો સૌથી પહેલો ‘તમાકુ ફ્રી’ દેશ બન્યો.. વર્ષ ૨૦૧૦થી ભૂતાનમાં તમાકુની ખેતી – લણણી તથા તમાકુમાંથી વિવિધ ઉત્પાદન બનાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં તમાકુ કે સિગારેટનું સેવન કરનારને કડક દંડ ફટકારવામાં આવે છે. ભૂતાન માટે તેમની પ્રજાનું સ્વાસ્થ્ય જ મહત્વનું છે.તમાકુ પર પ્રતિબંધ મૂકી ત્યાંની સરકારે આ સાબિત પણ કરી દીધું છે. દુનિયાના દેશોએ ભૂતાન પાસેથી શીખવા જેવું છે.
એવું કહેવાય છે કે તમાકુના ખેતરને રખેવાળની જરૂર પડતી નથી કારણ કે તેને તો ગધેડા પણ ખાતા નથી. પણ તેને માણસ ખાય છે. તમાકુનું વ્યસન લોકો માટે ખતરનાક હોવા છતાં કરોડો લોકોની સવાર તમાકુથી શરૂ થાય છે અને રાત તમાકુના સેવનથી પડે છે. મોતનો સામાન અહીં એક-એક રૂપિયામાં પડીકીરૂપે વેચાય છે અને તેના ખરીદદારો પણ તેને મળી રહે છે.
આજે લોકોને વ્યસન છોડવાની વાત કરીએ તો તરત જ જવાબ મળે છે કે જવાદો ને યાર… આજે નહિ તો કાલે મરવાનુ તો છે જ ને! તો ચિંતા શાની? વાત સાચી પણ કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. બાકી પશુઓ પણ પોતાનું જીવન જીવે જ છે ને! આપણે માણસ છીએ વિચારવાની શક્તિ આપણામાં છે. આનંદ, પ્રેમ, બિંધાસ્તપણું જે આજની યુવાપેઢી માંગી રહી છે તે માત્ર સિગારેટના કસમાં જ નથી. આ વિચાર વ્યક્તિયે, સમાજે, સરકારે આગળ કરવો પડશે. બાકી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનનો એક રીપોર્ટ કહે છે. જો આમને આમ તમાકુનું વ્યસન થતું રહેશે તો વર્ષ ૨૦૨૨ સુધીમાં તમાકુજન્ય રોગના કારણે મરનારાની સંખ્યા માં વધારો નિશ્ચિત છે.
આજે તમાકુ નિષેધ દિવસ છે ત્યારે આવો જાણીએ તમાકું વિષે ચોકાવનારી બાબતો…આવો જાણીએ….
■ વિશ્વમાં દર છ સેકન્ડે એક વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે.
■ એક સર્વે પ્રમાણે દેશમાં વીસ કરોડ થી વધુ લોકો તમાકુનું સેવન કરે છે.
■ તમાકુના સેવનથી દેશમાં દર વર્ષે દસ લાખ લોકો મૃત્યુ પામે છે.
■ પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે.
■આશરે ૧૮ ટકા હાઇર ફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે.
■ દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે.
■ ક્ષય રોગ, એઇડ્સ અને મેલેરિયા જેવા રોગોથી જેટલા લોકો નથી મરતા તેના કરતાં વધારે લોકો ધૂમ્રપાનથી થતા રોગોના કારણે મૃત્યુ પામે છે.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના સભ્ય દેશોએ ભેગા મળીને એક આંતરરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સંધિ બનાવી છે.તેમાં ભારત સહિત આ દરેક સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ સંધિ પ્રમાણે તમાકુનો ઉપયોગ ઘટાડવા માટે ૧૮ મે, ૨૦૦૩ના રોજ ભારત સરકારે ‘તમાકુ નિયંત્રણ કાયદો’ પસાર કર્યો. જેને સિગરેટ તથા અન્ય તમાકુ ઉત્પાદ અધિનિયમિ – ૨૦૦૩ નામ આપવામાં આવ્યું. જે સંપૂર્ણ ભારતમાં લાગુ કરવામાં આવ્યો જેમાં સમય પ્રમાણે અનેક સુધારા થયા. ૨૦૦ રૂપિયાથી લઈને જેલ સુધી સજા થાય તેવી આ કાયદામાં જોગવાઈ છે. જાહેરમાં સાર્વજનિક જગ્યાએ ધુમ્રપાન કરવું નહિ, ધુમ્રપાનની જાહેરાત કરવી નહિ, ૧૮ વર્ષથી નાના બાળકોને તમાકુનું વેચાણ કરવું નહિ. શાળા-કૉલેજની આજુબાજુમાં તમાકુયુક્ત પેદાશો મળવી ન જોઈએ… આવા અનેક કાયદો આમાં છે પણ દુ:ખ સાથે કહેવું પડે છે કે તે માત્ર કાગળ ઉપર છે. આ કાયદાઓનું પાલન કરાવવામાં જરા પણ સખ્તતાઈ વર્તાઈ નથી. પરિણામે તે કાયદાની અસર પણ બહાર આવી નથી.
ખુબ જ સચોટ અહેવાલ રજૂ કર્યો છે …” આજે લોકોને વ્યસન છોડવાની વાત કરીએ તો તરત જ જવાબ મળે છે કે જવાદો ને યાર… આજે નહિ તો
કાલે મરવાનુ તો છે જ ને! તો ચિંતા શાની?…”..
આના જવાબમાં વાત કાંઈક આવી છે..
ચિંતા એ નથી ચિંતા પરિવારની છે…ચિંતા તાત્કિલીક મોત નથી તેની છે..વ્યસન કરવાથી તરત મોત નથી આવતું…તેમાં વ્યક્તિ ખુબ જ રિબાય છે સાથે સાથે પરિવાર પણ બધી રીતે દુ:ખી દુ:ખી થઈ જાય છે..
વ્યસન કરનાર આ વાતોને મહેસૂસ કરો…અને વ્યસન છોડો…