
Bhojshala Dispute : મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો
Bhojshala Dispute: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાળા મામલે આજે ઇન્દોર હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતા આ કાનૂની વિવાદમાં કોર્ટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા રજૂ કરવામાં આવેલા વિગતવાર વૈજ્ઞાનિક સરવે રિપોર્ટને સ્વીકારીને તેને આ કેસનો મુખ્ય કાયદાકીય આધાર માન્યો છે. વર્ષોથી ચાલી આવતા વિવાદનો અંત લાવતા કોર્ટે આ પરિસરને હિન્દુ મંદિર જાહેર કર્યું છે. હાઇકોર્ટે હિન્દુ પક્ષની અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું કે આ આખું પરિસર મૂળભૂત રીતે મંદિર જ છે.
Bhojshala Dispute : કોર્ટે ચુકાદામાં શું કહ્યું?
હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે ભોજશાળાનું મૂળ સ્વરૂપ એક સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર એટલે કે મહા વિદ્યાલયનું હતું. કોર્ટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક સરવે રિપોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોર્ટે નોંધ્યું કે પુરાતત્ત્વ એ એક વિજ્ઞાન છે અને તેના તારણો કાયદાકીય રીતે માન્ય છે. વધુમાં, કોર્ટે કહ્યું કે ઐતિહાસિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતી સંરચનાઓનું સંરક્ષણ કરવું એ સરકારની બંધારણીય જવાબદારી છે.
Bhojshala Dispute : ઐતિહાસિક ચુકાદો અને પૂજાનો અધિકાર
Bhojshala Dispute : એડવોકેટ વિષ્ણુ શંકર જૈને ધાર-ભોજશાળા કેસમાં હાઇકોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે કોર્ટે વર્ષ 2003ના જૂના આદેશમાં ફેરફાર કરીને હવે હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે અને સ્વીકાર્યું છે કે આ સંકુલ રાજા ભોજનું છે. આ ઉપરાંત, લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી વાગ્દેવીની પ્રતિમાને ભારત પરત લાવવાની માંગ પર પણ કોર્ટે સરકારને વિચાર કરવા જણાવ્યું છે. આ પ્રક્રિયામાં મુસ્લિમ પક્ષ પણ સરકાર સામે પોતાની વાત રજૂ કરી શકશે
Bhojshala Dispute : મુસ્લિમ પક્ષ માટે વૈકલ્પિક જમીનની જોગવાઈ
કોર્ટે મુસ્લિમ પક્ષને નમાજ પઢવા માટે વૈકલ્પિક જમીન ફાળવવા બાબતે સરકારને વિચાર કરવા કહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અગાઉ જે આદેશ હેઠળ ત્યાં નમાજ પઢવાની મંજૂરી હતી તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે અને હવેથી ત્યાં માત્ર હિન્દુ પક્ષ દ્વારા જ પૂજા કરવામાં આવશે. ભોજશાળા પરિસરના તમામ વહીવટી અને સંચાલન કાર્યો હવે સંપૂર્ણપણે ASI (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ)ના કાર્યક્ષેત્રમાં રહેશે.
Bhojshala Dispute : વધુમાં, કોર્ટે કેન્દ્ર સરકાર અને ASIને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ આ પરિસરના સુચારુ સંચાલન અને ત્યાં સંસ્કૃત શિક્ષણના આયોજન અંગે જરૂરી અને યોગ્ય નિર્ણયો લે. આ ઉપરાંત, ત્યાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ સમગ્ર વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સરકારને સોંપવામાં આવી છે.
ભોજશાળાનો ભવ્ય ઇતિહાસ
ઇતિહાસ મુજબ, ઈ.સ.1000થી 1055 દરમિયાન ધારમાં પરમાર વંશના રાજા ભોજનું શાસન હતું. રાજા ભોજ સરસ્વતી દેવીના પરમ ભક્ત હતા અને તેમણે ઈ.સ. 1034માં અહીં એક ભવ્ય મહા વિદ્યાલયની સ્થાપના કરી હતી, જે ‘ભોજશાળા’ તરીકે ઓળખાઈ. સમય જતાં, 1305માં અલાઉદ્દીન ખિલજીએ આ પરિસરને નુકસાન પહોંચાડ્યું અને ત્યારબાદના શાસકોએ તેના અલગ-અલગ હિસ્સામાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. 1875માં થયેલા ખોદકામ દરમિયાન અહીંથી વાગ્દેવી (સરસ્વતી)ની પ્રતિમા પણ મળી આવી હતી.
અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, ASIના નિયમ હેઠળ હિન્દુઓ દર મંગળવારે પૂજા કરતા હતા અને મુસ્લિમો શુક્રવારે નમાજ પઢતા હતા. જોકે, હાઇકોર્ટના આ તાજેતરના નિર્ણયથી હવે આ 11મી સદીના સ્મારકની સ્થિતિ અને તેના ધાર્મિક અધિકારોમાં મોટો ફેરફાર આવશે.