Statue of Unity : સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર

665થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત, મહિલાઓને ધુમાડાથી મુક્તિ અને ખેતીને જૈવિક ખાતરનો લાભ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા Statue of Unity આસપાસ વસતા 1000 જેટલા આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનતા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી બાયોગેસ પ્લાન્ટ યોજના અંતિમ તબક્કામાં પહોંચી છે અને અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે.

વડાપ્રધાન Narendra Modiએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેરાત કરી હતી કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોના ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ યોજના હાલ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. યોજનાનું અમલીકરણ ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) તેની દેખરેખ રાખી રહી છે.

વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત આ પહેલનો મુખ્ય હેતુ LPG સિલિન્ડર અને પરંપરાગત લાકડાના ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. બાયોગેસ પ્લાન્ટથી પરિવારોને દરરોજ સ્વચ્છ ઇંધણ મળી રહ્યું છે, જ્યારે પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતી માટે જૈવિક ખાતર તરીકે ઉપયોગી બની રહી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે 7 કિલોમીટર દૂર આવેલા વાઘપુરા ગામની રહેવાસી રવિના તડવીએ જણાવ્યું હતું કે, “હવે LPG સિલિન્ડરની ચિંતા રહેતી નથી. બાયોગેસ પ્લાન્ટથી રોજિંદો સ્વચ્છ ગેસ મળે છે અને સ્લરીના ઉપયોગથી ખેતીમાં પાક ઉત્પાદન પણ વધ્યું છે.”

સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ જણાવ્યું હતું કે, “બાયોગેસ પ્લાન્ટથી મહિલાઓને સૌથી વધુ ફાયદો થયો છે. પહેલાં રસોઈ માટે લાકડાં ભેગાં કરવા લાંબા અંતર સુધી જવું પડતું હતું અને ચૂલાના ધુમાડાથી આંખોને નુકસાન થતું હતું. હવે બાયોગેસથી ધુમાડામુક્ત રસોઈ શક્ય બની છે.”

મુખ્યમંત્રી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે અનેક યોજનાઓને ઝડપથી અમલમાં મુકવામાં આવી રહી છે. સરકાર દ્વારા બાયોગેસ પ્લાન્ટ સ્થાપનાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવે છે, જ્યારે લાભાર્થીઓને માત્ર ખાડો ખોદવા માટે શ્રમદાન કરવાનું રહે છે.

બાયોગેસ પ્લાન્ટ યોજના માત્ર સ્વચ્છ રસોઈ ગેસ પૂરું પાડતી નથી, પરંતુ ખેતીમાં રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટાડીને જૈવિક ખેતીને પણ પ્રોત્સાહન આપી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *