
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ 26 એપ્રિલે રાજ્યભરમાં મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પ્રચાર પડઘમ આજથી શાંત થયા છે. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. જ્યારે 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત તેમજ કેટલીક નગરપાલિકાઓની બેઠકમાં પેટા ચૂંટણી અંતર્ગત મતદાન થશે.
15 મહાનગરપાલિકાઓમાં 1,10,39,131 મતદારો નોંધાયા છે. તે પૈકી 57,16,597 પુરૂષ અને 53,22,059 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. 84 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને 11 નગરપાલિકાની 13 બેઠકોની પેટા ચૂંટણીમાં 33,66,330 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં 2,74,82,357 મતદારો મતદાન કરશે. જેમાં 1,41,66,780 પુરૂષ અને 1,33,15,346 મહિલા મતદારો નો સમાવેશ થાય છે.
રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 26,196 ઉમેદવારો મેદાનમાં છે. સ્થાનિક સ્વરાજ્યમાં કુલ 1536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11,344 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.
રાજ્યમાં જે તે સમયે 1536 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જેમાં સૌથી વધુ તાલુકા પંચાયતમાં 773 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે મહાનગરપાલિકામાં 124 ઉમેદવારો ચૂંટણી જંગમાંથી બહાર નીકળી ગયા હતા.
ફોર્મ પરત ખેંચાયા અને બિનહરીફ બેઠકો જાહેર થયા બાદ રાજ્યમાં 26,196 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતાધિકારનો ઉપયોગ થશે.
આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) રોટેશન મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવી 28 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી–2026 અંતર્ગત રાજય ચૂંટણી આયોગે 10,005 બેઠકોની ચૂંટણી જાહેર કરી હતી. તેમાંથી 724 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો હતો.
260 તાલુકા પંચાયતોમાંથી ભાજપે 252 બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યો હતો. જયારે 34 જિલ્લા પંચાયતોમાં 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. આ ઉપરાંત 84 નગરપાલિકામાં 377 બેઠકો પર ભાજપે બિનહરીફ જીત મેળવી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 9,237 ઉમેદવારો, કોંગ્રેસના 8,443 અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો મેદાનમાં છે.