માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈ દવેએ રોજગારીને વધારવા માટે જીએચસીએલ ફાઉન્ડેશનની વીટીઆઈનું ઉદ્ઘાટન કર્યું અને પશુપાલકોના કલ્યાણના ઉદ્દેશ્યથી નિતારા મોબાઇલ એપ લૉન્ચ કરી
માંડવી, કચ્છ, 25 ઑક્ટોબર, 2024: પોતાની સામાજિક જવાબદારીની પ્રવૃત્તિઓની યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન સ્થાપીને જીએચસીએલ ફાઉન્ડેશનએ ગુરુવારના રોજ માંડવીના મોટા લાયજા ખાતે વૉકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (વીટીઆઈ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, આ સંગઠને માંડવી ક્ષેત્રના પશુપાલકોના કલ્યાણના ઉદ્દેશ્યથી નિતારા મોબાઇલ એપ પણ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. જીએચસીએલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એન. એન. રાડિયા સાથે આ પ્રસંગે વિવિધ ગામોના સરપંચો અને અતિથિ વિશેષ તરીકે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલ ગઢવી, નિતારા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર મોહમ્મદ ઇમરાન, અને મુખ્ય અતિથિ તરીકે માંડવી બેઠકનું પ્રતિનિધિત્ત્વ કરનારા માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈ દવેએ ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનએસડીસી)ના સહયોગમાં જીએચસીએલ ફાઉન્ડેશનની વીટીઆઈની શરૂઆત કરવામાં આવી છે, જે રોજગારી અને સામાજિક-આર્થિક વિકાસ તરફ દોરી જનારા કૌશલ્યો યુવાનોને પૂરાં પાડી સ્થાનિક સમુદાયને ટેકો પૂરો પાડવા માટે કટિબદ્ધ છે.
આ નવી વીટીઆઈનો ઉદ્દેશ્ય ઉદ્યોગો-સંબંધિત કૌશલ્યોથી યુવાનોનું સશક્તિકરણ કરીને માંડવી તાલુકામાં યુવાનો માટે આજીવિકા પેદા કરવાનું છે. હાલમાં આ સંસ્થામાં જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (જીડીએ), નર્સિંગ, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ) જેવા કૉર્સ ભણાવવામાં આવે છે.
શ્રી અનિરુદ્ધ ભાઈ દવેએ સરકાર દ્વારા કૌશલ્યવિકાસ માટે ચલાવવામાં આવતાં ઘણાં બધાં કાર્યક્રમો અંગે માહિતી પૂરી પાડી હતી તેમજ તેમણે ઔદ્યોગિકીકરણ અને તેમની સીએસઆર સંબંધિત જવાબદારીઓનું મહત્ત્વ પણ જણાવ્યું હતું. જીએચસીએલની આ પહેલ અને જીએચસીએલ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય અમારા દિકરાઓ અને દીકરીઓને આવશ્યક કૌશલ્યો પૂરાં પાડીને આ પ્રકારના જનકલ્યાણના કાર્યો કરવાનો છે. આગામી દિવસોમાં 80 પરિવારો લાભાન્વિત થશે, કારણ કે, તેમના યુવાનો કૌશલ્યવાન બનતા તેઓ રોજગાર મેળવવા માટે સક્ષમ બની જશે.’
શ્રી અનિરુદ્ધ દવેએ આગળ ઉમેર્યું હતું કે, ‘આ પ્રકારની પહેલને સમર્થન પૂરું પાડવું, નોકરીઓનું સર્જન કરનારા અને અનેક પરિવારોનું ઉત્થાન કરવામાં મદદરૂપ કરનારા ઉદ્યોગોને લાવવા એ ફક્ત સરકારની જ નહીં પરંતુ આપણાં સૌની જવાબદારી છે. હું જીએચસીએલ ફાઉન્ડેશનને વિનંતી કરીશ કે તેઓ તેમનો આગામી સીએસઆર પ્રોજેક્ટ ગુજરાતના દરિયાકાંઠે વસતાં ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ માટે હાથ ધરે.’
30 જેટલા કમ્પ્યૂટર્સની સાથે સંપૂર્ણપણે કાર્યાત્મક બીપીઓ લેબ તેમજ અલાયદી નર્સિંગ અને ઇલેક્ટ્રિકલ લેબ્સની મદદથી આ સંસ્થા પ્રથમ તબક્કાના 90 યુવાન ઉમેદવારોની રોજગાર પ્રાપ્ત કરવાની ક્ષમતાને વધારવામાં મદદરૂપ થશે.
ગુરુવારે લૉન્ચ થયેલી નિતારા મોબાઇલ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય સમગ્ર દેશના પશુપાલકોમાં આમૂલ ક્રાંતિ લાવવાનો છે. હાલમાં ચાલી રહેલા નિતારા કાર્યક્રમના ભાગ રૂપે લૉન્ચ કરવામાં આવેલી આ એપ દરેક વ્યક્તિગત દૂધાળા પશુના આરોગ્ય, ખોરાક, પોષણ, ઉત્પાદકતા અને તેની સાથેના અન્ય માપદંડો પર ધ્યાન આપીને આવા દરેક પશુની પૂર્વવિગતોનો રેકોર્ડ રાખશે. આ ઉપરાંત, તે સ્થાનિક વિસ્તારોમાં દૂધાળા પશુઓની ઓલાદને સુધારવા માટે કાર્યસાધક પણ બનશે.
આ પ્રસંગે વાત કરતાં જીએચસીએલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એન. એન. રાડિયાએ જણાવ્યું હતું કે, આ વીટીઆઈનો પ્રાથમિક ઉદ્દેશ્ય માંડવી તાલુકાના યુવાનોની રોજગાર મેળવવાની ક્ષમતાને વધારવાનો, સતત વિકસી રહેલા માર્કેટની જરૂરિયાતોની સાથે સુસંગત રહીને તેમને ઉદ્યોગો સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. કૌશલ્યો વિકસાવવા માટે મૂળભૂત તાલીમ આપવા ઉપરાંત, તેના અભ્યાસક્રમમાં સોફ્ટ સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ઑફિસના શિષ્ટાચારને વિકસાવવા પર તથા આત્મવિશ્વાસ અને વ્યાવસાયિકતાનું નિર્માણ કરવામાં મદદરૂપ થવા ઉમેદવારોને ઇન્ટરવ્યૂની તૈયારી કરાવવા પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ સંસ્થા આગામી પાંચ મહિનામાં તેની પહોંચને વિસ્તારવા અને માર્ચ 2025 સુધીમાં 400થી વધારે યુવાનોને તાલીમ આપવા માંગે છે. નિતારા મોબાઇલ એપ લૉન્ચ થવાથી તે ટેકનોલોજી અને વિજ્ઞાનની મદદથી મેળવવામાં આવેલી માહિતી પૂરી પાડીને સ્થાનિક ડેરી સેક્ટરનું સશક્તિકરણ કરશે, જેના પરિણામે પશુપાલકોનું કલ્યાણ કરવામાં અને તેમને સમૃદ્ધ બનાવવામાં ઘણું મોટું યોગદાન આપી શકાશે.’
ડેરી ઇકોસિસ્ટમની અંદર વર્ષોના સંશોધન પછી તૈયાર કરવામાં આવેલી નિતારા મોબાઇલ એપ્લિકેશન ગામોમાં વસતાં પશુપાલકોની ઉત્પાદકતા વધારવા માટે ટેકનોલોજીની મદદથી મેળવવામાં આવેલા ઉકેલો પૂરાં પાડે છે. આ પ્રોગ્રામ ઢોરોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને દોહન માટે રીયલ-ટાઇમ ડેટા પૂરો પાડી પશુપાલકોને સૂચિત નિર્ણય લેવા સક્ષમ બનાવે છે.
મોહમ્મદ ઇમરાનએ સમજાવ્યું હતું કે, ‘નિતારાનું વિઝન એઆઈ, મશીન લર્નિંગ મોડેલ્સ અને બિગ ડેટા એનાલીટિક્સ જેવા અત્યાધુનિક ટૂલ્સ મારફતે પશુપાલકોના જીવનનું ઉત્થાન કરવાનું છે, જેનાથી નાના અને મધ્યમ કદના પશુપાલકોની નફાકારતા ઘણી સુધરશે. અમે સુત્રાપાડા ક્ષેત્રમાં જીએચસીએલ ફાઉન્ડેશનની સાથે ભેગા મળીને કામ કરી રહ્યાં છીએ અને મને એ જાહેર કરતાં ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કે, અમે ઓછામાં ઓછાં 5,000 પશુપાલકોની સમસ્યાઓને સફળતાપૂર્વક ઉકેલી છે. સુત્રાપાડામાં આ પ્રોગ્રામની સફળતાના પગલે જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા અમને અહીં આમંત્રિત કરવામાં આવ્યાં છે, જેથી કરીને ખેડૂતોના જીવનને સુધારી શકાય.’
આ પ્રસંગે વાત કરતાં શ્રી કેવલ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘જીએચસીએલ ફાઉન્ડેશન ઘાસચારાની ઘટની સમસ્યાથી માંડીને પશુચિકિત્સકો, પશુઓની એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવી અને તબીબી ખર્ચાઓ ભોગવી લેવા સુધી અમારા સમુદાયને નિરંતર મદદરૂપ થતું રહ્યું છે. હું રાડિયા સાહેબનો તેમના અથાક પ્રયાસો બદલ ખરા દિલથી આભાર માનું છું. મને ખરેખર એ વાતનો ગર્વ છે કે અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ખૂબ જ કટિબદ્ધ છે. રાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી ઘણી પહેલ અમારા સૂચનોની સાથે સુસંગત રહી છે અને ફક્ત બે જ મહિનાની અંદર આ વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટે જે પ્રકારે આકાર લીધો છે, તે તેમની કટિબદ્ધતાને દર્શાવે છે.’
આ પ્રકારની પહેલ મારફતે જીએચસીએલ ફાઉન્ડેશન માંડવી અને તેની આસપાસના વિસ્તારના લોકોના ઉજ્વળ ભવિષ્યની કલ્પના કરે છે.