પોરબંદરમાં માછીમારી ઉદ્યોગ ધીરેધીરે મંદીના ખપ્પરમાં હોમાઈ રહ્યો : 60 ટકા ફિશીંગ બોટો કિનારે લાંગરી દેવામાં આવી

પોરબંદરમાં માછીમારી ઉદ્યોગમાં ધીરે ધીરે મંદી આવી રહી છે. હાલ માછીમારીની સીઝન ચાલુ છે પરંતુ 60 ટકા ફિશીંગ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. દરિયામાં પ્રદૂષણ અને ડિઝલના ભાવમાં વધારો હોવાને કારણે માછીમારોને નફા કરતા નુકશાની પહોચી રહી છે અને ટ્રીપ પરવડે તેમ નથી આથી મોટાભાગની બોટ માછીમારી કરવા જતી નથી તેવું માછીમાર આગેવાને જણાવ્યું છે.

પોરબંદરમાં માછીમારી ઉદ્યોગને કારણે અનેક લોકોને રોજીરોટી મળી રહે છે. માછીમારી ઉદ્યોગ સારો ચાલે તો અન્ય વેપારી સહિતના ધંધાર્થીઓને તેજી જોવા મળતી હોય છે પરંતુ પોરબંદરમાં માછીમારી ઉદ્યોગ ધીરેધીરે મંદીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. કોરોના મહામારી બાદ તો માછીમારી ઉદ્યોગ વધુ મંદીમાં ગરકાવ થયો છે. ઉપરાંત કુદરતી આફતોને કારણે માછીમારોને વધુ મુશ્કેલી પડે છે ત્યારે હાલ માછીમારી ની સીઝન ચાલુ છે અને માછીમારી સિઝનને હવે પૂરી થવાના 4 માસ બાકી છે ત્યારે 60 ટકા જેટલી ફિશીંગ બોટ કિનારે લાંગરી દેવામાં આવી છે.

માછીમાર આગેવાને જણાવ્યું હતુંકે, કુલ 2100 બોટ છે જેમાંથી 1500 ફિશીંગ બોટ બંધ છે. માછલીની પડતર થતી નથી. દરિયામાં પ્રદૂષણ હોવાના કારણે માછલીની પૂરતી આવક થતી નથી અને ડિઝલના ભાવ વધારે હોવાથી માછીમારોને ટ્રીપ કરવી પરવડે તેમ નથી. ઉલ્લેખનીય છેકે, હાલ માછીમારીની 1 ટ્રીપ 22 થી 25 દિવસની હોય છે તેમાં બરફ, ડીઝલ, રાશન, પગાર સહિત 1 ટ્રીપ પાછળ રૂ. 4 લાખ જેટલો ખર્ચ થતો હોય છે પરંતુ આ ટ્રીપ આવે ત્યારે પૂરતો માછલીનો જથ્થો ન આવે એટલે માછીમારોને નુકશાની થાય છે.

પરંપરાગત વ્યવસાય હોય અને માછીમારોને અન્ય કોઈ વ્યવસાય નહિ હોવાને કારણે આ વખતે ટ્રીપ સારી જશે તેવી આશાએ માછીમારી કરવા નીકળે છે. આમ પોરબંદરનો માછીમાર ઉદ્યોગમાં મંદી આવતા શહેરમાં અન્ય વેપાર ધંધાને પણ મંદીની અસર માંથી પસાર થવું પડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *