ગાંધીનગરમાં એક રાતમાં બે ગાડીઓના સાયલેન્સર ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ગાંધીનગરના સેક્ટર 4 અને 6માં આવેલા ખુલ્લા પ્લોટમાં પાર્ક કારમાંથી સાયલેન્સર ચોરી કરવામાં આવતા કાર માલિકો દ્વારા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માહિતી મુબજ, ગાંધીનગર આવેલા પ્રકાશ પટેલની ઇકો કાર ખરાબ થતાં તેમણે સેક્ટર 6 સ્થિત સરકારી ક્વોટર્સ ખાતે પાર્ક કરી હતી અને પછી એક ખાનગી વાહનમાં ઘરે ગયા હતા. બીજા દિવસે આવીને જોયું તો ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી થઈ ગઈ હતી. બીજી તરફ સેક્ટર-4માં રહેતા તેમના મિત્ર વિજય પનાગરની ઇકો કાર તેમના ઘર સામે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી હતી. જોકે રાત્રિ દરમિયાન તેમની કારમાંથી કોઈ સાયલેન્સરની ચોરી કરી ગયું હતું.
રૂ. 50 હજારના સાઇલેન્સરની ચોરી
એક જ રાતમાં બે ગાડીમાંથી સાયલેન્સરની ચોરી થતાં માલિકો દ્વારા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં રૂ.50 હજારની કિંમતના સાયલેન્સરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે બંને કાર માલિકની ફરિયાદ નોંધી ચોરોને પકડવા તજવીજ હાથ ધરી છે. જોકે આ ચોરીની ઘટનાઓ બાદ એવું લાગી રહ્યું છે કે ગાંધીનગરમાં સાયલેન્સરની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. આથી કાર માલિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.