બાળ વિવાહ વિરુદ્ધ આસામમાં 4000થી વધુ કેસ નોંધાયા, સીએમએ કહ્યું – જલ્દી શરુ થશે કાર્યવાહી 

તાજેતરમાં જ આસામમાં બાળ વિવાહના 4004 કેસ નોંધાયા છે. આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં બાળ વિવાહને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે આ મામલામાં 3 ફેબ્રુઆરીથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું કે આસામ પોલીસે રાજ્યમાં બાળ વિવાહના 4004 કેસ નોંધ્યા છે. 3 ફેબ્રુઆરીથી પોલીસ કાર્યવાહી શરૂ થશે. હું સૌને સહકાર માટે અપીલ કરું છું. હકીકતમાં, ગયા મહિને જ આસામ કેબિનેટે બાળ વિવાહ સામે પગલાં લેવાનો નિર્ણય લીધો હતો અને આ બાબતોમાં તમામ હિતધારકો પાસેથી સહકાર માંગ્યો હતો. એટલું જ નહીં, સરકારે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો સામે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે.

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આગામી 5-6 મહિનામાં આવા હજારો લોકોની (પતિઓની) ધરપકડ કરવામાં આવશે. કારણ કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સેક્સ કરવું એ ગુનો છે, પછી ભલે તે કાયદેસરનો પતિ હોય. સરમાએ કહ્યું કે મહિલા માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ છે અને સગીર વયની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઘણા (છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો)ને આજીવન કેદની સજા થઈ શકે છે.

બાળ વિવાહ પર શા માટે કડકાઈ?

તાજેતરમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આસામમાં માતા અને શિશુ મૃત્યુ દર ઘણો વધારે છે. તેનું એક મુખ્ય કારણ બાળ વિવાહ છે.

આ પછી રાજ્ય સરકારે બાળ વિવાહ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, પોલીસને બાળ લગ્નની પ્રથા સામે ઝુંબેશ ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 4004 કેસ નોંધ્યા છે. તેમાંથી ધારબીમાં 370, હોજાઈમાં 255, ઉદલગુરીમાં 235, મોરીગાંવમાં 224 કેસ નોંધાયા છે.

મહિલાઓએ ક્યારે માતા બનવું જોઈએ

તાજેતરમાં જ એક કાર્યક્રમમાં હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે મહિલાઓએ માતા બનવા માટે વધુ રાહ જોવી ન જોઈએ, કારણ કે તેનાથી ગૂંચવણો સર્જાય છે. સીએમએ કહ્યું કે માતા બનવાની યોગ્ય ઉંમર 22 થી 30 વર્ષ છે. તેમણે કહ્યું કે મહિલાઓએ માતા બનવા માટે વધુ રાહ જોવી ન જોઈએ, કારણ કે હવે ઘણી મહિલાઓએ આમ કરવા લાગી છે. આ સાથે તેમણે કહ્યું કે ભગવાને આપણા શરીરને એવી રીતે બનાવ્યું છે કે દરેક વસ્તુ માટે યોગ્ય ઉંમર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *