નવાયુગ ના ડિજિટલ પોકેટમારો થી ચેતજો

છેલ્લા બે દાયકામાં જેટલો આધુનિક ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો એટલા પ્રમાણમાં તેની સાથે સંકળાયેલા જોખમો પ્રત્યે લોકોની જાગૃતિ વધી નથી. ખાસ કરીને સ્માર્ટફોન વાપરનારા લોકો માટે માહિતીનો અભાવ તેમના ખુદના માટે આ ફોન એક બોમ્બ સાબિત થઇ શકે છે. આ ભય પાછળનાં કારણોમાં કચ્છમાં વધેલા સાયબર ક્રાઇમના કિસ્સા છે અને ફક્ત પશ્ચિમ કચ્છમાં જ ઓનલાઇન ફ્રોડનો આંક બે કરોડથી પણ ઉપર જતો હોવાથી ચિંતાપ્રેરક છે. ચાલુ વર્ષે આખા ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીના કુલ્લ 29,564 ફરિયાદો સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ પહોંચી છે. જેમાં રૂા. 1,45,25,02,792.44ની છેતરપિંડી થયાનો અધધધ આંક સામે આવ્યો છે.

આમાં પોલીસે કાર્યવાહી કરી રૂા. 43,01,94,534.59 ફ્રીઝ કરાવ્યા છે. હવે આમાં પશ્ચિમ કચ્છની વાત કરીએ તો અહીં પણ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં 32 અરજી આવી છે. તો પાંચ લાખથી નીચેની છેતરપિંડીવાળી સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)માં વર્ષ 21-22 દરમ્યાન ઓનલાઇન 1255 અને ચાલુ વર્ષે રૂબરૂ 355 ફરિયાદો આવી છે. જેમાં વિવિધ પ્રકારની 1255 પૈકી આર્થિક ઠગાઈની 392 અરજીમાં રૂા. 1,40,90,279.64ની ઠગાઇ થયાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે રૂા. 38,37,155.63 ફ્રીઝ કરાવ્યા છે, જ્યારે રૂબરૂ મળેલી 355 ફરિયાદોની છણાવટ કરતાં ફરિયાદીઓ સાથે કુલ્લ રૂા. 63,69,959ની રકમની છેતરપિંડી થઇ હતી, જેમાં સાયબર ક્રાઇમ સેલે રૂા. 13,31,986 ફરિયાદીઓને પરત અપાવ્યા છે

તેમજ રૂા. 6,23,700 ફ્રીઝ કરાવ્યા છે. આવી પ્રક્રિયા બાદ ફરિયાદીઓને આ નાણાં પરત મળવાની પૂરી સંભાવના છે. સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની સગવડ મળતાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ઉપરાંત ઇ-મેઇલ, ફોટોગ્રાફ, વીડિયો ક્લિપ, દસ્તાવેજ વિગેરેની આપ-લે તેમજ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ચેટિંગમાં વાપરવા લાગ્યા છે. આ બધી સગવડો વિશે લોકો જાણે છે, પરંતુ તેના ભયાનક જોખમો વિશે પણ જાણી લેવાની તાતી જરૂરિયાત છે. સાયબર ક્રાઇમમાં પાંચ લાખથી વધુની રકમની ઠગાઇ થઇ હોય તો તેના ઉપરની કાર્યવાહી બોર્ડર રેન્જની કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સંભાળતી હોય છે.

અહીં પોલીસ પાસે આર્થિક તેમજ સામાજિક છેતરપિંડી સંબંધિત વર્ષ દરમ્યાન 32 અરજી આવી છે. જેમાં કૌન બનેગા કરોડપતિની લાલચ આપી 17 લાખની તેમજ ઇન્સ્ટંટ લોનને લઇને 15 લાખની છેતરપિંડી મુખ્ય હોવાની વિગતો મળી છે.’ ત્રીઓ વિરુદ્ધ ઓનલાઈન થતા ગુનામાં’ સાયબર ક્રાઇમ સેલ ખાસ ધ્યાન આપી ઝડપભેર ઉકેલવા તજવીજ કરે છે. આ ઉપરાંત આવા ગુના પ્રત્યે લોકોને જાગૃત કરવાના કાર્યે પણ કરાય છે, તેવું પી.કે. ઝાલા અને હિતેશ ઝાલાએ જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ જિલ્લા સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ના પી.આઇ. સંદીપસિંહ એન. ચૂડાસમાનાં માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ કલ્પેશભાઇ ચૌધરી હંમેશાં ભોગ બનનારને મદદરૂપ થાય છે.

જેમાં પણ છેલ્લા ત્રણ માસમાં કુલ્લ રૂા. 4,05,217 અરજદારોને પરત અપાવ્યા છે અને રૂા. 2,02,000 ફ્રીઝ કરાવ્યા છે. ઓનલાઇન ફ્રોડનો આ મસમોટો આંક જ ભવાં તંગ કરે તેવો છે. આજના આધુનિક જમાનામાં પાકીટ પણ ડિજિટલ થઇ ગયાં છે. આથી આવાં પાકીટને મારનારા `પોકેટમાર’ પણ ડિજિટલ છે.’ આંકડાકીય માહિતી બાદ આ નવા જમાનાના પોકેટમાર કઇ રીતે તેની જાળ બિછાવી લોકોને ફસાવે છે તે કિસ્સાઓ પણ આવી છેતરપિંડીથી બચવા માટેની લાલબત્તી સમાન હોવાથી તેનો ખાસ ઉલ્લેખ કારાયો છે. સાંપ્રત સમયમાં લોકો સાથે વીજજોડાણ કપાઇ જશે, લાઇટ બિલ આગળના મહિનાનું અપટેડ થયું નથી, ક્રેડિટ કાર્ડ બંધ, અપડેટ કે’ પીન જનરેટ અથવા નવા ક્રેડિટ કાર્ડ લેવા માટે ફોન કરી વિગતો મેળવી ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં ખાસો એવો ઉછાળો આવ્યો છે.

આ ઉપરાંત લોકોની દેશ પ્રત્યેની ભાવનાને પણ આ ગઠિયાઓ ચરી ખાય છે. વેપારી કે સેવા આપનારાઓને તેઓના ધંધા સંબંધિત પોતે આર્મીમાં હોવાનું કહી માલ કે સેવાનો ઓર્ડર આપી એડવાન્સ નાણા આપવાના બહાને અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કરી છેતરપિંડી થઇ રહી’ હોવાના છાશવારે અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થઇ જ રહ્યા છે. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને પણ લોકોને રીતસરના ચૂસી લેવામાં આવતા હોવાનીય ફરિયાદો આવી છે. જેમાં સામેવાળાની આર્થિક સદ્ધરતા જોઇ તેઓને એક પછી એક વધુ મોટી મોટી લોનની જાળમાં રીતસરના સપડાવી માનસિક રીતે વ્યક્તિને ભાંગી નાખવામાં આવે છે.

શરૂઆતમાં પાંચ-દશ હજારની નાની લોન લેતી વખતે જ મોબાઇલ એકસેસ મેળવી લેવાય છે. જેથી અરજદારના મોબાઇલમાંના બધા જ સંપર્ક નંબરો જે તે ફાયનાન્સ કંપની પાસે પહોંચી જાય છે. ત્યારબાદ જે રીતે હપ્તાનું નક્કી થયું હોય છે. તેમાં ફેરવી તોડી મોટી રકમની પઠાણી ઉઘરાણી શરૂ થાય અને જરા સરખી આનાકાની કરી તો રીતસર બ્લેક મેઇલિંગ પર ઊતરી આવી મેળવેલા નંબરો ઉપર લોન ધારકની બદનામી થાય તેવા મેસેજ તેમજ બીભત્સ ફોટામાં લોનધારકનો ફોટો બેસાડી વાયરલ કરવાની ધમકી અપાય, હવે આના માટે રસ્તા પણ તેઓ જ બતાવે અને કહે કે…. મોટી લોન લઇ લો.. આમ કર્યા બાદ ફરી એ જ સિલસિલો શરૂ અને ફરી મોટી લોન… આમ કરોડિયાની જેમ રીતસરની જાળ મોટી ને મોટી જ થાય અને લોનધારકની કેડ જ ભંગાઇ જાય… હતાશાના લીધે આપઘાત કરવાનાય વિચાર આવતા હોવાનું અનેક અરજદારોએ રડતી આંખે પોલીસને પોતાની આપવીતી જણાવાની વિગતો મળી છે.

અન્ય એક કિસ્સામાં ભુજની એક સ્માર્ટ ગ્રેજ્યુએટ યુવતીએ શાદી ડોટ કોમ ઉપર પોતાની પ્રોફાઇલ નાખતાં છેક સ્વિત્ઝર્લેન્ડથી મુરતિયાએ રસ દાખવ્યા બાદ અંતે ઓનલાઇન સગાઇ પણ થઇ ગઇ, ત્યારબાદ યુવકે કહ્યું કે, તારા માટે એન્ગેજમેન્ટ રિંગ તથા ગિફટ મોકલાવી છે તે સ્વીકારી લેજે…. અને ગિફટ સ્વીકારવા માટે કસ્ટમ ડયૂટી ભરવા એક પછી એક એમ અનેકવાર નાણાં મેળવી કુલ્લ 10 લાખથી ઉપરની રકમ ખંખેરી લેવાઇ હતી.અજાણી યુવતી-મહિલાઓ ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પુરુષો સાથે મેસેજથી ધીરે-ધીરે આગળ વધ્યા બાદ વીડિયો કોલ કરીને બીભત્સ અવસ્થામાં ક્રીનશોટ પાડીને બાદમાં તેના કે તેના મળતિયાઓ દ્વારા નાણાં પડાવવા બ્લેકમેઈલિંગ થયાનાય અનેક ચોંકાવનારા કિસ્સા સામે આવી ચૂકયા છે. જ્યારે ભુજની જ એક યુવતી સાથે બનેલી ઘટના પણ અત્યંત ગંભીર હતી. જેમાં યુવતીની ઇન્સ્ટાગ્રામની આઇડી કોઇક ભેજાંબાજ હેકરે હેક કરી લીધી હતી અને આ આઇડીમાં તેણે કોઇ સ્પર્ધામાં ભાગ લીધાનું જણાવી વોટ કરવા ફોલોઅર્સની વિનંતી કરતી પોસ્ટ મૂકી હતી. ફોલોઅર્સ વોટ કરવા જતાં એક પ્રકારનું ફોર્મ ભરવાનું જણાવવામાં આવતું અને આ ફોર્મ ભર્યા બાદ ક્લિક કરતાં જે-તે ફોલોઅર્સનો જ ફોન બ્લેન્ક થઇ ફોનમાંનો સંપૂર્ણ ડેટા જ ગાયબ થઇ જતો હતો.

હવે તમે જ વિચારો કે ફોનમાંના ફોટા-ચેટિંગ ઉપરાંત અનેક વિગતો કોઇ અજાણ્યા પાસે પહોંચી જાય અને તેનો તે કઇ કઇ રીતે દુરોપયોગ કરશે તેવી કલ્પનાથી જ ધ્રુજારી’ આવી જાય… યુવતી સુધી આ વાત પહોંચતાં તેને ઇન્સ્ટાગ્રામની હેલ્પલાઇન પર આ આઇડી બંધ કરવા રિકવેસ્ટ મોકલતા…. વળતામાં આવેલા ઓટીપીને સબમીટ કરવા જણાવતા… ઓટીપી યુવતી સુધી પહોંચ્યો જ નહીં…. કારણ કે હેકરે હેક કરેલી આઇડીના ઇ-મેઇલ એડ્રેસ અને નંબર પણ બદલી નાખ્યા હતા. હવે અંતે તમે જ કહો કે, તમારા હાથમાં જે સ્માર્ટ ફોન છે તે એક બોમ્બ છે કે નહીં ? એટલે જ કહ્યું છે કે, જાગતો નર સદા સુખી....' અનેસાવધાની હટી…. દુર્ઘટના ઘટી….” આવનારા દિવસો આ નવા જમાનાના ઠગબાજના છેતરવા માટે હજુ નવા-નવા નુસખા અજમાવશે જ, પરંતુ ત્યારે પણ સાવધાની – સતર્કતાથી જ તેનાથી બચી શકાશે. અંતમાં જ્યારે પણ કોઇ વ્યક્તિ આવી ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યાનું તેના ધ્યાન આવે ત્યારે વહેલી તકે સંપૂર્ણ વિગતો સાથે જે-તે સાયબર ક્રાઇમ સેલનો રૂબરૂ સંપર્ક કરે… કારણ કે, આર્થિક ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં અરજદારનાં ખાતાંમાંથી આરોપીનાં ખાતાંમાં ગયેલી રકમને ફ્રીઝ કરવા ઝડપ કરવી પડે…. નહીંતર આ ચતુર ઠગો વારાફરતી અનેક ટ્રાન્ઝેકશનો કરી નાખતા હોવાથી `ડિજિટલ ફૂટ પ્રિન્ટ’ મારફત તેનો પીછો કરવો મુશ્કેલ બને છે. જો કે, પ. કચ્છની સાયબર ક્રાઇમ સેલે એક કિસ્સામાં ઓનલાઇન ફ્રોડમાં ગયેલી રકમ વારાફરતી પાંચથી છ બેન્કમાં ટ્રાન્સફર થયા બાદ પણ ઝડપી લઇને અંતે ફ્રીઝ કરાવી હતી. જોકે પડદાની પાછળ રહેતા આવા સાયબર ઠગબાજો ઝડપાયા હોય તેવા કિસ્સા તો જૂજ હશે. આમ તેઓને પકડવા અત્યંત મુશ્કેલ હોવાથી લોકોએ જ લાલચમાં ન આવી અજાણ્યા ફોનવાળી વ્યક્તિને બેન્કિંગ તેમજ મોબાઇલ સંબંધિત ઓટીપી વિગેરેની માહિતી ન આપવી તે જ ઉપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *