
માંડવીનો વિકાસ માત્ર કાગળ પર: આપ નેતા કૈલાસદાન ગઢવી
માંડવી ચૂંટણી પ્રચારનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી વતી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર કૈલાસદાનભાઇ ગઢવીએ પાર્ટીના કાર્યકરોની વિશાળ ફોજની હાજરી વચ્ચે કાર્યાલય પર પત્રકાર પરિષદ યોજી હતી.
આ પત્રકાર પરિષદમાં માંડવી-મુંદરા વિસ્તારને સતાવી રહેલા પ્રજાહિતના અનેક પ્રશ્નનો ઘટસ્ફોટ કર્યો હતો. પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છના ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને નોકરીઓ મળતી નથી અને જો મળે છે તો બાર-બાર કલાક ડયૂટી કરાવાય છે. જેથી માનસિક રીતે શોષણ કરાય છે. વર્તમાન સમયમાં બેરોજગારીએ માજા મૂકી છે. અનેક યુવાનો બેકારીનો સામનો કરી રહ્યા છે.

માંડવી અને મુંદરા શહેરમાં અને તાલુકાના અનેક ગામડાઓમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હોવાનું તેમણે પ્રવાસ દરમ્યાન અનુભવ્યું હતું. અનેક સમાજોનો ગરીબ અને મધ્યમ વર્ગ વિવિધ સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે, ત્યારે તેમની પીડાની વેદનાને આમ આદમી પાર્ટીની સરકાર રચાયા બાદ આ તમામ મુશ્કેલીઓનો જલ્દીથી નિરાકરણ કરાશે.
માંડવી શહેર માં વિકાસ માત્ર કાગળ પર રહ્યો હોવાની વાત કરતા નગરપાલિકા અને સરકાર પર કૈલાસદાન ગઢવી એ પ્રહારો કર્યા હતા.

બપોરે માંડવીમાં બાઇક રેલી દ્વારા રોડ શોનું આયોજન કરાયું હતું. સાંજે મોટા ભાડિયા ગામે ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું અને તેમાં કૈલાસદાનભાઇ ગઢવી, માજી પોલીસ અધિકારી વિજયભાઇ ગઢવી, રતનભાઇ ગઢવી (ઝરપરા), આપના તાલુકા પ્રમુખ સભાભાઇ ગઢવી સહિતનાઓએ ઉદ્બોધન કર્યું હતું. કૈલાસદાન ભાઈએ અન્ય ઉમેદવારો દ્વારા પાર્ટી વિશે થઇ રહેલા દુષ્પ્રચાર અને અફવાઓથી દૂર રહેવા જણાવાયું હતું. લોકસંપર્કમાં તેમની સાથે પાર્ટીના હરધોળભાઇ ગઢવી, અયાઝભાઇ ખત્રી, અબ્દુલભાઇ મજીદ સહિતના આગેવાનો જોડાયા હતા. મોટા ભાડિયા ગામે યોજાયેલી સભામાં પુનશી ગઢવી, નારાણ ગઢવી (માજી સદસ્ય તા.પં.), પૂર્વ સરપંચ નાગશીભાઇ ગઢવી, પૂર્વ ઉપસરપંચ દેવદાસ ગઢવી સહિત મહેશ્વરી, દરબાર સહિત વિવિધ સમાજોના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.