વડોદરા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા મગરો રસ્તાઓ પર આવ્યા, લોકો પર જીવનું જોખમ, આકોટાના 50 ઘરમાં પાણી ઘૂસ્યા
વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. તંત્ર હજુ પહોંચ્યું નથી ત્યાં દિવ્ય ભાસ્કર ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ છે.
ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર જાહેર કરાયા
1.વડોદરા કોર્પોરેશન હેલ્પલાઈન- 1800 233 0265
2.ફ્લડ કંટ્રોલરૂ- 0265 242592
3.NDRF હેલ્પલાઈન- 9711077372
4.એનિમલ હેલ્પલાઈન વી કેર- 9409027166