સુરતમાં એક એપાર્ટમેન્ટના 3જા માળે આગ, 3 ફાયર સ્ટેશનને બચાવનો કોલ, ફસાયેલાં દંપતી, 2 પુત્રનું લેડરથી રેસ્ક્યૂ,

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક પરિવાર સૂતો હતો અને ઘરમાં કિચનમાં કોઈ કારણસર લાગી ગઈ હતી. ફલેટમાંથી બહાર નીકળી શકે એવી સ્થિતિ ન હોવાથી ચાર લોકો ઘરની ગેલરીમાં આવી ફસાઈ ગયા હતા. લોકો ફસાયા હોવાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લેડરથી માતા-પિતા અને બે પુત્રને સહીસલામત નીચે ઊતર્યા હતા. ત્યાર બાદ આગ પર કાબૂ મેળવતાં સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

મળતી માહિતી પ્રમાણે, જહાંગીરાબાદ ખાતે આવેલા વૈષ્ણોદેવી બ્લૂ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં 48 વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. આજે (18 જુલાઈ) વહેલી સવારે 03.26 કલાકે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી આખો પરિવાર ઘરની બહાર ન નીકળી શકતાં ગેલરીમાં ફસાઈ ગયો હતો.
વૈષ્ણોદેવી બ્લૂ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે માણસ ફસાયેલા હોવાનો કૉલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો, જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો. કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું.
ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. B બિલ્ડિંગના 302 નંબરના ફ્લેટમાં ફસાયેલા 4 લોકોને કઢાવવાની કામગીરી કરી હતી. ફાયર એન્જિન 302 નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલરી નીચે લાવવામાં આવ્યું હતું. 35 ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ (ઉં. વ. 48), માયાબેન વિનોદભાઈ પટેલ (ઉં.વ. 47), નંદન વિનોદભાઈ પટેલ (ઉં.વ. 26) અને કશ્યપ વિનોદભાઈ પટેલ (ઉં.વ. 22)ને ત્રીજા માળની ગેલરીમાંથી સહીસલામત નીચે ઊતર્યાં હતાં અને ત્યાર બાદ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
સંપૂર્ણ મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેથી પરિવારના ચાર લોકો ઘરની બહાર નહીં નીકળી શકાતાં ઘરની ગેલરીમાં ચાલી ગયા હતા. ફાયરની ટીમ દ્વારા લગભગ એકથી દોઢ કલાકમાં બચાવ અને આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરી હતી, જેથી સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના ચારેય સભ્યોને 108 બોલાવીને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પરિવારના ચારેય સભ્યને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે ફાયર ઓફિસર ધવલ મોહિતેએ જણાવ્યું હતું કે આગ રસોડામાંથી લાગી હતી, જેથી ફ્લેટના આગળની સાઇડથી પ્રવેશ કરી શકાય એવી કોઈપણ પ્રકારની શક્યતા ન હતી, જેથી પાછળની સાઈડથી બાજુમાંથી પરિવારનું રેસ્ક્યૂ કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફ્રિજમાં શોર્ટસર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે. આગમાં રસોડાનો તમામ સામાન અને હોલમાં રહેલાં તમામ ફર્નિચર સહિતના સામાન બળીને ખાક થઈ ગયો છે.

મેઘરજના બ્રાહ્મણ કોટડા ગામમાં આજે વહેલી સવારે શોર્ટસર્કિટના કારણે નિરુ કટારા અને વલ્લભ કટારાનાં બે મકાનમાં ભીષણ આગ લાગી હતી. પરિવારો તાત્કાલિક બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી, પરંતુ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ પહોંચે એ પહેલાં બંને મકાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયાં હતાં.
આ ઝપટમાં આજુબાજુનાં દસ જેટલાં અન્ય મકાનને પણ નુકસાન પહોંચ્યું છે. ચોમાસા દરમિયાન ઢીલી ઇલેક્ટ્રિક લાઈનોને કારણે શોર્ટસર્કિટની ઘટનાઓ વધતી હોય છે અને પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી લાગી હોવાનું અનુમાન છે. ફાયરબ્રિગેડે સમયસર કાબૂમાં લીધી, પરંતુ મોટેપાયે નુકસાન થયું છે.