વિજ્ઞાન જાથા : ભારતમાં માનતાના નામે પશુબલી કરવી કાનુની અપરાધ
નવરાત્રી અને શરદપુનમ દરમિયાન પશુ–પક્ષીની બલીની માહિતી માટે અનુરોધ
”હવનાષ્ટમીએ પશુબલી ઘટનાની જાણ કરો” વિજ્ઞાન જાથા “
ભારતમાં માનતાના નામે પશુબલી કરવી કાનુની અપરાધ…’ જાથા
માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
પશુબલીની આધાર-પુરાવા સાથે માહિતી આપવી પડશે. સરકારી તંત્ર – વિજ્ઞાન જાથાને જાણ કરવા અનુરોધ.
અમદાવાદ : ભારતમાં સદીઓથી પરંપરા, માન્યતા, રિવાજ, માનતાના નામે નૈવેધ્યમાં જીવતા પશુ-પક્ષીની બલી ચડાવવાની ગેરમાન્યતા જોવા મળે છે. અમુક જ્ઞાતિ આજે પણ પશુબલીમાં અતિ શ્રદ્ધા ધરાવે છે. નવરાત્રિમાં આઠમ, નોમ, દશેરા, પૂનમના દિવસે પશુબલી અટકાવવા ભારત જન વિજ્ઞાન જાથાએ અભિયાન આદર્યું છે. રાજયમાં પશુબલી ઘટનાના સંદર્ભે આધાર-પુરાવા સાથે માહિતી આપવા લોકોને અપીલ કરવામાં આવી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતમાં કાયદા પ્રમાણે પશુ-પક્ષીની બલી ચડાવવી ગુન્હાને પાત્ર છે. માનતા રાખનાર, પશુ-પક્ષીની હથીયારથી હત્યા કરનારા, તેને પ્રેરનારા, ધૂણીને કે માતાજીના નામે પશુબલીનો આગ્રહ કરનારા તમામ સામે કડક કાયદાકીય કાર્યવાહીનો નિર્દેશ છે. પશુને ભુખ્યા રાખવા, વાહનમાં લાવવા, અમાનુષી ત્રાસ આપવા સંબંધી કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવે છે. સરકારે એક પણ જ્ઞાતિ-સમાજને પશુબલી માટે માન્યતા આપી નથી કે કોઈપણ પ્રકારનો પરિપત્ર અસ્તિત્વમાં નથી. છતાં જાથાની જાણમાં આવ્યું છે કે પશુબલી મંજુરી સંબંધી પરિપત્રના અનેક સોગંદનામા કરી અંધમાન્યતામાં શ્રદ્ધા ધરાવતા લોકો પોતાની પાસે રાખી પશુબલી કોઈ અટકાવી શકે નહિ તેવો વિશ્વાસ રાખે છે વાસ્તવમાં ખોટો છે. આજે પણ કોઈપણ વ્યક્તિ, નાગરિક, જાગૃતો સરકારી તંત્રને જાણ કરે કે તુરંત પશુબલી અટકાવવા પોલીસ તંત્ર પહોંચી જાય છે. પશુબલી મંજુરી સંબંધી પરિપત્ર સંપુર્ણ ખોટો, બેબુનિયાદ, અસ્તિત્વ ધરાવતો ન હોય નિર્દોષ શ્રદ્ધાળુ કાયદાની ચુંગાલમાં ફસાય જાય નહિ તેવી જાથા માહિતી આપે છે.
વધુમાં જાથાના જયંત પંડયા જણાવે છે કે જાથાએ પશુબલી અટકાવવા દેશવ્યાપી અભિયાન આદર્યું છે. નવરાત્રિમાં હવનાષ્ટમી, નોમ, દશેરા, પૂનમના દિવસે આજે પણ અમુક જ્ઞાતિ માનતા પ્રમાણે પશુબલીનો ધાર્મિક કાર્યક્રમ, માંડવો રાખે છે તે અટકાવવા જાથા કટિબદ્ધ છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમણે આધાર-પુરાવા સાથે માહિતી આપ્યા પછી ખરાઈ કરવામાં આવે છે. ત્યાર બાદ અટકાવવા સંબંધી તંત્રને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવશે.
જાથાના અનુભવ પ્રમાણે અંગત રાગ-દ્વેષના કારણે હેરાન કરવાવાળા ખોટી માહિતી આપે છે. જાથા કોઈપણ સમાજની લાગણી દુભાવવા માંગતું નથી. આજ સુધી કોઈપણની ધાર્મિક લાગણી દુભાવી નથી. કાયદાની મર્યાદામાં કામગીરી કરવામાં આવે છે. રાજયમાં પશુબલી ઘટના સંદર્ભે માહિતી સરકારી તંત્ર અને વિજ્ઞાન જાથાને આપી નિર્દોષ પશુ-પક્ષીની હત્યા અટકાવવામાં નાગરિક ધર્મ બજાવવા લોકોને અપીલ કરવામાં આવે છે.
વધુમાં પંડયા જણાવે છે કે પશુ-પક્ષીની બલી ચડાવવી સામાજિક કલંક છે. નિર્દોષ પશુની હત્યાના બદલે મીઠા નિર્વેધ્ય શાકાહારી કરી શકાય છે. અમુક જ્ઞાતિએ ફેરફાર કરીને પશુબલી સદંતર બંધ કરી દીધી છે તેને જાથા આવકારે છે. અમુક ભુવા-માનતાનું જડતાપૂર્વક વર્તન કરી, માતાજી નારાજ, કોપાયમાન થાય તેવો ડર-ભાય બતાવી પશુબલીનો આગ્રહ રાખે છે તેમાં ફેરફાર કરાવવો જ્ઞાતિના સમાજ સુધારકની ફરજ છે.
રાજ્યમાં જિલ્લા કક્ષાની કાર્યવાહી કમિટી બનાવી છે તે જીલ્લામાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, આહવા, ગોધરા, પંચમહાલ, ભુજ-કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અરવલ્લી, તાપી, રાજપીપળા વિગેરે જિલ્લા-તાલુકા મથકોએ માનતાના નામે પશુબલીની ઘટના સંદર્ભે કામગીરી સંભાળશે.
જાથાના રાજુભાઈ યાદવ, નિર્ભય જોશી, રવિ પરબતાણી, પ્રમોદ પંડયા, નાથાભાઈ પીપળીયા, મહેશ પટેલ, કિશોરગીરી ગોસાઈ, અંકલેશ ગોહિલ, ભાનુબેન ગોહિલ વિગેરે સદસ્યો જિલ્લા મથકોએ આવેલી માહિતીની ખરાઈ કરી પશુબલી અટકાવવા સંબંધી કાર્યવાહી કરવાના છે તે સંબંધી પુરાવા સાથે જીવદયા પ્રેમીઓએ માહિતી આપવી.
અંતમાં પશુબલીની આધાર-પુરાવા સાથે માહિતી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ આપવા અનુરોધ છે.