વડતાલના 3 સ્વામી સામે દુષ્કર્મની FIR

 

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શને જતા સ્વામીએ પિતાના ફોનનંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી બળજબરી કરી હતી. ઉપરાંત પીડિતાને સ્વામીના વ્હોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટો આપી બીભત્સ વાતો કરાવી હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં પીડિતા 23 વર્ષની છે અને તેને વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. વાડી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી

આ મામલે વાડી પોલીસ મથકમાં ભોગ બનેલી યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2016માં જગત પાવન સ્વામી વડતાલ તાબાના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી તરીકે હતા. એ સમયે તે તેના પિતા સાથે દર્શન કરવા સ્વામિનારાયણ મંદિરે જતાં જગત પાવન સ્વામીએ તેના પિતાનો ફોનનંબર મેળવી ફોન કર્યો હતો. જે ફોન પીડિતાએ ઉપાડતાં તેની સાથે વાતચીત કરી તેનો નંબર મેળવ્યો હતો. એ બાદ પીડિતા સાથે રોજ વ્હોટ્સએપના માધ્યમથી વાતચીત કરતા હતાં. એમાં એક દિવસ પીડિતાને ઘડિયાળની ગિફ્ટ આપવાના બહાને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ ઘટના અંગે કોઈને કહીશ તો દવા પીને આપઘાત કરી લઈશ એવું સ્વામીએ જણાવી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

સ્વામીના વ્હોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવતા

આ ઉપરાંત સગીરાને વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામીએ તેના સ્વામીના વ્હોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ ફોટો અને બીભત્સ વાતો કરાવતા હતા. આ ઉપરાંત ગ્રુપમાં મારો ન્યૂડ વીડિયો કોલ પણ કરાવતા હતા. ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને હાલમાં મારી ઉંમર 23 વર્ષની છે. એ સમયે મારી પાસે કોઈ સોર્સ નહોતો કે હું પોલીસ ફરિયાદ કરી શકું.

અન્ય બે સ્વામી પણ સામેલ હોવાનો આક્ષેપ

તેણે વધુમાં જણાવ્યું છે કે જગત પાવન સ્વામી પાસે તેના મારા ન્યૂડ ફોટો અને વીડિયો પણ છે, જે તાત્કાલિક ડિલિટ કરવામાં આવે. આ સાથે જ જગત પાવન સ્વામીને કડકમાં કડક સજા કરવામાં આવે. તેની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના એચ.પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે.પી. સ્વામી પણ સામેલ હોવાનો આક્ષેપ પણ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે.

સ્વામી સંપ્રદાયમાં ભારે ચકચાર

વાડી પોલીસે યુવતીની ફરિયાદના આધારે વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી અને હાલ વડતાલમાં રહેતા જગત પાવન સ્વામી સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચી ગઈ છે.

પીડિતાએ મીડિયાને જણાવેલી વિગત શબ્દશઃ

પીડિતાએ ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે વર્ષ 2016માં વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પિતા સાથે દર્શન કરવા જતાં સ્વામીએ તેના પિતાનો ફોનનંબર મેળવી લીધો હતો, જેમાં કોલ કરતાં એ કોલ મેં ઉપાડતાં મારી સાથે વાતચીત કરી મારો નંબર મેળવી લીધો હતો. એ બાદ મારા વ્હોટ્સએપમાં રોજ મેસેજ કરીને વાતચીત કરતા હતા.એમાં એક દિવસ ઘડિયાળની ગિફ્ટ આપવાના બહાને વાડી મંદિરની નીચેના રૂમમાં બોલાવી હતી. જેથી હું ત્યાં જતાં મારી સામે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એ ઘટના કોઈને કહીશ તો દવા પીને આપઘાત કરી લઈશ એવું જણાવી સ્વામીએ મારા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ એક સ્વામીના વ્હોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વાતો કરવાનું અને ન્યૂડ ફોટો આપવાનું કહેતા હતા તેમજ ગ્રુપમાં ન્યૂડ વીડિયો કોલ કરાવી બીભત્સ હરકતો કરવાનું કહેતા હતા. તેને કડકમાં કડક સજા થવી જોઇએ, જેથી બીજી કોઇ છોકરી સાથે મારા જેવું ન થાય. એચ. પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે. પી. સ્વામી સામે કડકમાં કડક સજા થવી જોઈએ.

રાજકીય અગ્રણીઓ સાથે સંબંધ

મળેલી માહિતી પ્રમાણે, વડતાલ તાબાના વાડી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પવન સ્વામીના વડોદરાના અનેક રાજકીય અગ્રણીઓ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં અનેક રાજકીય અગ્રણીઓ સાથે સંબંધ ધરાવતા તત્કાલીન કોઠારી સ્વામીના રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા પણ હાલ વાઇરલ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *