નવસારી શહેરને અડીને આવેલા નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં અકસ્માતોની વણથંભી વણઝારમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરીવાર નવસારી નજીક આવેલા આમડપોર ગામ પાસે વહેલી સવારે 5:00 વાગે મુંબઈથી કચ્છમાં આવેલા આશાપુરી માતાના મઢના દર્શને જવા નીકળેલા 46 વર્ષના યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા નીચે પટકાયેલા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જેથી તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
મુંબઈ ખાતે રહેતો 46 વર્ષીય નારાયણ રામદાસ પવારને ક્યાં ખબર હતી કે માતાના મઢમાં પહોંચી દર્શન કરે તે પહેલા જ હાઇવે ઉપર કાળ તેની રાહ જોઈને બેઠો છે. મુંબઈની રાજકીય પાર્ટી શિવસેના દ્વારા આ સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ધવ બાળક સાહેબ ઠાકરે સાયકલ યાત્રાનું નામ આપવામાં આવ્યું હતું. આ ટીમના એક સભ્ય મુંબઈથી આશાપુરા માતાના મઢમાં જઈ રહ્યા હતા. વહેલી સવારે સાયકલ પર સવાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક પાછળથી આવેલા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા જ હાઈવે પર ફટકાયેલા નારાયણ પવાર નીચે પટકાયો હતો જેના પરથી વાહન પસાર થઈ ગયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે યુવાનના માથામાં ગંભીર ઈજા પહોંચતા હાઇવે પર જ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. અન્ય વાહન ચાલકોએ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. ગ્રામ્ય પોલીસ CCTV દ્વારા વાહન ચાલકને શોધી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતકના પરિવારજનો મુંબઈથી આવી લાશનો કબજો મેળવ્યો છે.