માતાનામઢમાં 33 કરોડના વિકાસ કાર્યો છતાં બસ સ્ટેશન અને બજાર વિસ્તારમાં રસ્તાનું કામ ન થતાં યાત્રિકો-ગ્રામજનો પરેશાન

કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં વિકાસ માટે સરકારે રૂપિયા 33 કરોડની ફાળવણી કરી છે. પ્રવાસન વિભાગે અહીં વિવિધ વિકાસલક્ષી કામો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ભુજથી આ કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
જોકે, યાત્રાધામની બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં રોડ-રસ્તાનું કામ હજુ સુધી થયું નથી. સામાન્ય વરસાદમાં પણ અહીં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આના કારણે મોટી સંખ્યામાં આવતા યાત્રિકો અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

માતાનામઢ ગ્રામ પંચાયતના નવા સરપંચ કાસમભાઇ કુંભારે જણાવ્યું કે, વિકાસ કાર્યો દરમિયાન પ્રવાસન વિભાગ અને કોન્ટ્રાક્ટરે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા નહોતા. કામ શરૂ થયું ત્યારે બસ સ્ટેશન અને બજાર વિસ્તારમાં નવા રસ્તા બનાવવાનું વચન અપાયું હતું. પરંતુ અન્ય કામો પૂરા થયા છતાં રસ્તાનું કામ થયું નથી.
આગામી દિવસોમાં તહેવારો અને નવરાત્રી પર્વ નજીક આવી રહ્યા છે. સરપંચે વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવાની માંગ કરી છે. હાલમાં બસ સ્ટેશન વિસ્તારમાં કાદવ-કીચડના કારણે યાત્રિકોને ભારે અગવડ પડી રહી છે.