સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો 2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો 2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો 2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ફ્લાવર શોના ઉદ્ઘાટનની સાથે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી-મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ફ્લાવર શો નિહાળ્યો હતો અને અલગ અલગ સ્કલપચર સાથે ફોટો પણ પડાવ્યાં હતા. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025 આ વખત 6 ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતી તેમજ 30થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે.

આ વર્ષના ફ્લાવર શોમાં ખાસ વિવિધ જગ્યાઓ પર લગાવેલા સ્કલ્પચર પાસે બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં તે સ્કલ્પચર અંગેની સંક્ષિપ્ત માહિતી તથા એક QR કોડ આપવામાં આવ્યો છે. QR કોડ તમે ફોનમાં સ્કેન કરશો એટલે ઓડિયો ગાઇડ શરૂ થશે. જેમાં તમને જે તે સ્કલ્પચરનો ઇતિહાસ તથા મહાત્મ્ય સમજાવશે. ત્યારે આવો દિવ્ય ભાસ્કર સાથે ફ્લાવર શો 2025ની સફર કરીએ.

VIP એન્ટ્રી માટે અલગથી ટાઈમ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શો 2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જ્યાં સામાન્ય દિવસોમાં સવારના 10થી રાતના 10 સુધીના ટિકિટના ભાવ 70 રૂપિયા રાખવામાં આવ્યા છે. જ્યારે શનિ-રવિના રજાના દિવસોમાં આ ટિકિટનો ભાવ 100 રૂપિયા રહેશે. તે ઉપરાંત જો તમે VIP એટલે કે ભીડભાડ વગર છુટથી ફ્લાવર શોની મજા માણવી હશે તો આ વર્ષે VIP સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 આ સમય દરમિયાન તમે ફ્લાવર શોને ભીડ વગર નીહાળી શકશો, પરંતુ તે માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા સુધી ખર્ચ કરવો પડશે.

આ વર્ષે ફ્લાવર શોની વિશેષતા

આ વર્ષના ફ્લાવર શોમાં ફક્ત ફૂલોની દુનિયા જ નહીં પરંતુ ટેક્નોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી શકશો. આ વર્ષે ફ્લાવર શોને છ અલગ અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ફ્લાવર શોમાં કાર્ટૂન કેરેક્ટરથી લઈને ભારતના સાંસ્કૃતિક વારસાની પણ ઝલક જોવા મળશે. આ ઉપરાંત દેશી અને વિદેશી વિવિધ પ્રકારનાં ફૂલ પણ જોવા મળશે, પરંતુ આ સ્કલ્પચર વિશે પૂરતી જાણકારી પણ મળશે માત્ર એક QR કોડથી, કારણ કે દરેક સ્કલ્પચર અને ફૂલની આગળ એક QR કોડ લગાવવામાં આવ્યો છે જેને તમારા સ્માર્ટફોનથી સ્કેન કરીને વિવિધ ત્રણ ભાષા ઈંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં ઓડિયા માધ્યમથી તેના વિશે માહિતી મેળવી શકશો. આ સાથે તેમાં ઉપયોગમાં લેવાયેલાં રંગબેરંગી ફૂલોની માહિતી પણ ઓડિયો દ્વારા આપવામાં આવશે.

કયા 6 ઝોનમાં વહેંચાયો છે ફ્લાવર શો 2025

ઝોન-1 દેશની વૃદ્ધિ અને વિકાસ પર છે. આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને વિભિન્ન પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચિસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુ-શાસનનાં 23 વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે.


ઝોન – 2 સર્વ સમાવેશીપણું અને સસ્ટેનિબિલિટી પર છે. જેમાં ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથે સસ્ટેનિબિલિટીને પ્રદર્શિત કરતાં વિભિન્ન પ્રદર્શનોની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, ઍશિયાટિક સિંહ અને કેન્યોન વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે.


ઝોન 3 સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ પર છે. ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે. બટરફ્લાય, સીગલ (Seagull), મરમેઇડ ( Mermaid ) અને ફ્લાવર ફોલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે.


ઝોન 4માં સંસ્કૃતિ અને વારસો જોવા મળશે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ જોવા મળશે. બૃહદીશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા આપણાં સ્વર્ણિમ ઈતિહાસ અને સંસ્કૃતિની પ્રતિકૃતિ કરાવે છે.


ઝોન 5માં ફ્લાવર વેલી જોવા મળશે. ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતા આ ઝોનમાં હોર્નબિલ અને ફ્લાવર વેલી આનાં વિશેષ આકર્ષણ છે.


ઝોન 6માં ભારતના ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે જન જનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમજ વિશ્વનું નેતૃત્વ કરવા માટે ભારત તૈયાર છે. એવી આશાઓ જગવતું પ્રદર્શન આ ઝોનમાં જોવા મળશે. ઓલિમ્પિક 2036ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ-ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી-મિલિયન ટ્રીઝ-એક પેડ મા કે નામ, ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ઉજ્જ્વળ ભારતની ભ્રાંતિ કરાવે છે.


ચાલુ વર્ષના ફ્લાવર શોમાં બુકે બનાવવામાં આવ્યો

દેશનાં વિવિધ રાજ્યો અને શહેરોમાંથી પણ નાગરિકો ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે. ફ્લાવર શો નિહાળવા માટે રાજસ્થાન કેરાલા દિલ્હી બેંગ્લોર અલગ-અલગ શહેરોમાંથી પણ લોકો ખાસ ફ્લાવર શો જોવા માટે સવારથી જ આવ્યા છે. આ વર્ષે ખાસ સ્વરૂપે સોવેનિયર શોપ રાખવામાં આવ્યાં છે, જે આવનાર મુલાકાતીઓને એક સુંદર ભેટ સાથે લઈ જવાની તક સાંપડે છે. વર્ષ 2024ના ફ્લાવર શૉમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખતા તેનાથી વધારે લોકો મુલાકાત લેશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગત વર્ષે ફ્લાવર શૉએ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષના ફ્લાવર શોમાં બુકે બનાવવામાં આવ્યો છે.

વર્ષ 2025માં એન્ટ્રી ફી રૂપિયા 70થી 100

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે ફ્લાવર શોમાં ફૂડ સ્ટોલ અને જાહેરાતની આવક વધી છે. ફ્લાવર શો 2024માં ફૂડ સ્ટોલની આવક 73 લાખ થઈ હતી જેની સામે 2025માં 1.92 કરોડ થઈ છે. ફ્લાવર શો 2024માં જાહેરાતની આવક 29 લાખ થઈ હતી જેની સામે 2025માં 1.50 કરોડ થઈ હતી. ફ્લાવર શો 2024ની એન્ટ્રી ફી કરતાં 2025ની એન્ટ્રી ફીમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2024માં એન્ટ્રી ફી રૂપિયા 50થી 70 રાખવામાં આવી હતી. જેની સામે 2025માં 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન 100 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવા આવે તેમાં પ્રવેશનો કોઈ ચાર્જ લેવાશે નહીં. જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.

ફ્લાવર શોમાં VIP એન્ટ્રીનો ચાર્જ 500 કર્યો

દર વર્ષે ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડતી હોય છે અને ઘણી વખત ફ્લાવર શોમાં સાંજના સમયે પ્રવેશ થોડા સમય માટે અટકાવી દેવો પડે છે. જેથી ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VIP એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 એમ બે કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી રૂપિયા 500 રાખવામાં આવી છે. જે લોકો ભીડભાડમાં આવવા ન માગતા હોય તેઓ માટે VIP સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન તેમજ સિવિક સેન્ટર ઉપરથી પણ લોકો મેળવી શકશે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામેના ભાગે પણ ફ્લાવર શોની ટિકિટ માટે ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે. જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ પણ મેળવી શકશે.

વર્ષ 2025માં ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડ થશે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં આ વર્ષે ફ્લાવર શોમાં સ્કલ્પચર અને સ્ટ્રક્ચર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 2024માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો જેનાથી 6.52 કરોડની આવક થઈ હતી. જાન્યુઆરી 2024માં ફ્લાવર શોનો ખર્ચ 11.44 કરોડ થયો હતો. જ્યારે 2025માં ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડની આસપાસ થશે.

વિવિધ મહાનુભાવો ઉદ્ધાટન સમયે હાજર રહ્યા

સૌથી ખાસ વાત એ પણ છે કે, ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન તેમણે સૂચવેલાં સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે જનભાગીદારીનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ ફ્લાવર શૉમાં ભાગીદાર બન્યાં છે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમિતભાઈ શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, દિનેશ કુશવાહ, જીતુ ભગત, ડેપ્યુટી મેયર જતીનભાઇ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *