
ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’: 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં શાનદાર જીત
વિશ્વક્રિકેટ પર ફરી એકવાર ત્રિરંગો શાનથી લહેરાયો છે. દુબઈ માં રમાયેલા ચેમ્પિયન્સ ટ્રોફીના રોમાંચક ફાઈનલ જંગમાં લડાયક ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયા ટી-20 બાદ વન-ડેમાં પણ વિશ્વવિજયી બની છે. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીના તરખાટથી દુબઈની ધીમી પીચ પર કિવીઝને 2પ1 રન સુધી સીમિત રાખ્યા બાદ સ્પર્ધામાં અત્યાર સુધી ઝળકી ન શકેલા કપ્તાન રોહિત શર્માએ ફાઈનલમાં જ અસલ મિજાજ બતાવીને 83 દડામાં ત્રણ છગ્ગા અને સાત ચોગ્ગા સાથે ઝમકદાર 76 રન ફટકાર્યા હતા, તો શ્રેયસ અય્યર(48 રન) તેમજ કે.એલ. રાહુલ (33 દડામા 34 રન અણનમ) ના ઉપયોગી યોગદાન થકી 49 ઓવરમાં છ વિકેટે લક્ષ્ય આંબ્યું હતું અને રવીન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવતાં જ કરોડો ક્રિકેટપ્રેમીઓ આનંદથી ઉછળી પડયા હતા.
ભારતનો આ સાતમો આઈસીસી ખિતાબ છે. બે વન-ડે વર્લ્ડકપ બે ટી-20 વિશ્વકપ અને આજે ત્રીજીવાર ચેમ્પિયન ટ્રોફી કબજે કરી હતી. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ગયા વર્ષે ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. એ પહેલાં 2023માં વન-ડે વિશ્વકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હાર ખમવી પડી હતી, પણ રોહિતસેનાએ આ વખતે વિજેતાપદ મેળવી લીધું છે. રોહિત મેન ઓફ ધ મેચ, તો રચિન રવીન્દ્ર મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા. વર્ષ 2013માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ ટીમ ઇન્ડિયાએ ફરી ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી છે.
આ ઉપરાંત રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ સતત બીજી આઇસીસી ટ્રોફી કબજે કરી છે. 2023 વન-ડે વર્લ્ડકપ ફાઇનલની હારની કડવી યાદ પછી ટીમ ઇન્ડિયાએ સતત બે આઇસીસી ટ્રોફી જીતી છે. ભારતીય ટીમની આ પાંચમી આઇસીસી ટ્રોફી છે. સૌથી પહેલા 1983માં કપિલ દેવની આગેવાનીમાં ભારત વન-ડે વિશ્વકપ વિજેતા બન્યું હતું.
આ પછી 2007માં ધોનીની આગેવાનીમાં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. 2011માં ફરી ધોનીની આગેવાનીમાં વન-ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બન્યા હતા, જ્યારે રોહિત શર્માની કપ્તાનીમાં 2024માં ટી-20 વિશ્વ વિજેતા બાદ હવે 202પમાં ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી છે. ભારત તરફથી કપ્તાન રોહિત શર્માએ સર્વાધિક 78 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે શ્રેયસ અય્યરે 48, અક્ષર પટેલે 29 અને કેએલ રાહુલે અણનમ 34 રન કર્યા હતા. અગાઉ કુલદીપ-ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડના પ0 ઓવરમાં 7 વિકેટે 2પ1 રન થયા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફી જીતની દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ હતી. ચાહકો રવિવારે રાત્રે રોડ પર આવી ગયા હતા અને વિજય સરઘસ નીકળ્યા હતા. લોકોએ ફટકાડા ફોડયા હતા અને મીઠાઇની વહેંચણી થઇ હતી. જીત બાદ પીએમ મોદી સહિતનાએ ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા. 2પ2 રનના વિજયલક્ષ્યનો પીછો કરતાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને કપ્તાન રોહિત અને શુભમન વચ્ચે પહેલી વિકેટમાં 112 દડામાં 10પ રનની સંગીન ભાગીદારી થઇ હતી. ગિલ 31 રને આઉટ થયો હતો. આ પછી ચેઝ માસ્ટર કોહલી એક રને પાછો ફરતાં ક્રિકેટપ્રેમીઓ નિરાશ થઇ ગયા હતા, જ્યારે રોહિત 83 દડામાં 7 ચોગ્ગા-3 છગ્ગાથી 76 રને સ્ટમ્પઆઉટ થયો હતો. આમ 17 રનમાં ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી અને દબાણ વધ્યું હતું. આ પછી શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ વચ્ચે ચોથી વિકેટમાં 7પ દડામાં 61 રનની નિર્ણાયક ભાગીદારી થઇ હતી. અય્યરે 62 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 48 અને અક્ષરે 29 રન કર્યા હતા. હાર્દિક 18 રને આઉટ થયો હતો. કેએલ રાહુલ ફિનિશર બન્યો હતો. તે 33 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 34 રને નોટઆઉટ રહ્યો હતો. જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો હતો અને 8 રને અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી કપ્તાન સેંટનર અને બ્રેસવેલે 2-2 વિકેટ લીધી હતી.