છેલ્લા 24 કલાકમાં પાટણ, ડેડીયાપાડા અને કપરાડામાં અઢી ઇંચ, 122 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં પાટણ, ડેડીયાપાડા અને કપરાડામાં અઢી ઇંચ, 122 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

વરસાદ

રાજ્યમાં 16 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રીને હજી મહિનો પુરો થવામાં એક દિવસ બાકી છે. આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોળી નાખ્યું છે. શરૂઆતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો અને છેલ્લા બે દિવસથી ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ પડવાની આગાહી કરી છે.

વરસાદ 1

જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

આજે એટલે કે 15 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છુટા છવાયા સ્થળોએ  યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 122 તાલુકામાં, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8, નર્મદાના ડેડીયાપાડામાં 2.6, વલસાડના કપરાડામાં 2.4, સુરતના ઉમરપાડામાં 2.2 અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં બે ઇંચથી ઓછો પડ્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જ્યારે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે.

ગઇકાલે (તારીખ-14/07/2025)ના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 88 તાલુકામાં નોંધાયો હતો. જેમાં સુરતના ઉમરપાડા, સાબરકાંઠાના ખેડબ્રહ્યા અને વલસાડના કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તેમજ રાજ્યના 13 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

વરસાદ 2

રાજ્યમાં વરસાદ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 25 ડેમ છલકાયા છે. જ્યારે 78 ડેમો હાઇએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ મોડ ઉપર મુકાયા છે. આ 78 ડેમ પૈકી 40 ડેમ હાઇએલર્ટ ઉપર છે. અહીંના ડેમમાં 90 ટકા કે તેનાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ સહિત ગુજરાતના 207 ડેમમાં અત્યારે 54 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

વરસાદ 3

રાજ્યના જે 25 ડેમ ઓવરફ્લો થયા છે, તેમાં ઝોન પ્રમાણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના 16, મધ્ય ગુજરાતના 02, દક્ષિણ ગુજરાતના 02 અને કચ્છના 5 ડેમનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં અત્યારે સરેરાશ 62 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. એજ રીતે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

મધ્ય ગુજરાતના 17 ડેમમાં હાલમાં 63 ટકા આસપાસ પાણીનો સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 56 ટકા, કચ્છના 20 ડેમમાં 55 ટકાથી વધુ તેમજ સરદાર સરોવર ડેમમાં 49 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

વાપરવા લાયક પાણીના લાઇવ સ્ટોરેજની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં 48 ટકા, બનાસકાંઠામાં 11.30 ટકા, મહેસાણામાં 63 ટકા અને સાબરકાંઠામાં 45 ટકા પાણી છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં 69 ટકા, દાહોદમાં 60 ટકા, મહીસાગરમાં 60 ટકા અને પંચમહાલમાં 50 ટકા પાણીનો સંગ્રહ છે.

દક્ષિણ ગુજરાતના ભરુચમાં 83 ટકા, નર્મદામાં 66 ટકા, નવસારીમાં 78 ટકા, સુરતમાં 57 ટકા, તાપીમાં 29 ટકા અને વલસાડમાં 29 ટકા પાણીનો લાઇવ સંગ્રહ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે છે, જેને લઇને પાણીની આવકમાં વધારો થઇ શકે છે. હાલ તમામ જેમમાં પાણીનો પૂરતો જથ્થો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *