ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે કિશોરી ડૂબી, બચાવવા 4 લોકો કૂદ્યા, પાણીમાં ગરકાવ થતા ત્રણનાં મોત
ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા. ત્યારે એક બાર વર્ષની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા માટે ચાર લોકો નદીમાં કૂદ્યા હતા. જોકે, ઊંડા પાણીમાં ગરકાવ થતાં એક બાદ એક ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે.
ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની બાર વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કુદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા.
બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા (અમરાઈવાડી), ભારતી બેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી છે. બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસનો દોર ચલાવી રહી છે.