આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી:1500 ડૉક્ટર સહિત 2 હજારથી વધુ જગ્યાઓ પર GPSC ભરતી કરશે
GPSC દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં 2 હજારથી પણ વધુ ભરતી કરવામાં આવશે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી GPSC દ્વારા વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
ફિઝિશિયન અને ગાયનેકો લોજિસ્ટ ની જગ્યાઓ ભરાશે
આ જાહેરાત અંતર્ગત 1500 જેટલા ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જનની 200 જગ્યાઓ ભરવામાં આવશે. ફિઝિશિયનની 227 જગ્યાઓ, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ પર ભરતી કરાશે તેમજ વીમા અધિકારીની 147 જગ્યા ઉપર ભરતી કરાશે.
બે મહિના અગાઉ 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરાઈ
બે મહિના અગાઉ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અગાઉ રાજ્યમાં 10 વર્ષ પહેલાં સ્ટાફ નર્સ વર્ગ-3ની કુલ 7785 જગ્યા મંજૂર કરાઇ હતી. એ મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો હતો. રાજ્યનાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યા મંજૂર કરાઈ હતી. આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6થી 8 મહિનામાં પૂર્ણ કરાશે. રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ-3ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી હતી. સ્ટાફ નર્સની બઢતી/વયનિવૃત્ત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.