અમદાવાદની શાન સાબરમતી નદી બની ‘મોતની નદી’, પાંચ મહિનામાં મૃતદેહ મળવાનો આંકડો ચોંકાવનારો
અમદાવાદ સાબરમતી નદીમાં મોતના આંકડામાં આ વર્ષે કોઇ ફેરફાર જોવા મળ્યો ન હતો. ચાલુ વર્ષમાં એપ્રિલ થી ઓક્ટોબર સુધીમાં ફાયર બ્રિગેડને નદીમાં પડવાના 133 કોલ મળ્યા હતા. જેમાંથી 27 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
સાબરમતી નદી આમ તો રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે પણ કેટલાક લોકો મોતને પણ વ્હાલું કરી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે 108 લોકોએ નદીમા કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. તથા 27 લોકોને જીવીત બહાર કાઢવામાં આવ્યા હતા.
5 વર્ષમાં 700 થી વધારે લોકોના મોત નિપજ્યા
છેલ્લા ઘણા વર્ષોથી આ સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તેમાં પણ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 1000 થી વધારે કોલ મળ્યા હતા. જેમાંથી 700 થી વધારે લોકોના મોત નિપજ્યા હતા. અને આશરે 200 જેટલા લોકોને બચાવી શકાયા હતા. જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ ગરમી સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે.
અમદાવાદ ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર મોત પાછળ મોટા ભાગે ઘરેલુ કંકાસ, આર્થિક સંકડામણ અને પ્રેમ સંબંધમાં લોકો જીવન ટૂંકાવતા હોવાના કારણ જવાબદાર જાણવા મળ્યા હતા. જોકે સાબરમતી નદીમાં ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે સરાહનીય કામગીરી કરીને આ વર્ષે 27 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા. પરંતુ આ વર્ષે મોતની સંખ્યામં કોઇ ફેરફાર જોવા ન મળતા તે ચિંતાનો વિષય બન્યો છે.