અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઈન્ડીયાએ ટી-20 સિરિઝ પોતાને નામે કરી લીધી છે.
અમદાવાદ ટી-20 મેચમાં ભારતનો શાનદાર વિજય
INDvsNZ 3rd T-20 : ટીમ ઈન્ડીયાને અમદાવાદની ભૂમિ ફળી ગઈ છે. મંગળવારે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 સિરિઝની ત્રીજી મેચમાં ભારત મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડને 168 રને હરાવીને 2-1થી સિરિઝ જીતી લીધી હતી. 3 મેચની ટી20 સિરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો જ્યારે બીજી મેચ જીતીને ભારતે 1-1થી સિરિઝ બરાબર કરી હતી અને હવે 3જી મેચ જીતી લઈને ટીમ ઈન્ડીયાએ સિરિઝ કબજે કરી લીધી છે.
INDvsNZ 3rd T-20 : અમદાવાદ ટી20માં ટીમ ઈન્ડીયાનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડના ચાર મોટા ખેલાડીઓને આઉટ કરાવીને તેમની જીત અશક્ય કરી મૂકી હતી. ભારતીય બોલર્સની ધુઆધાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પત્તાના મહેલની માફક ખરી પડી હતી. ભારતીય બોલર્સે એટલી ટાઈટ બોલિંગ નાખી કે ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ રીતે ભારતને 168 જેટલા મોટા સ્કોરથી જીત મળી.
શુભમન ગીલની ધમાકેદાર સદીને કારણે જ ભારતે અંતિમ ટી-20માં ન્યુઝીલેન્ડને વિશાળ સ્કોર આપ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને ન્યુઝીલેન્ડને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સદી ફટકાર્યા બાદ શુભમન પણ ગેલમાં આવ્યો હતો અને તે હેલ્મેટ ઉતારીને વાંકો વળી ગયો હતો અને જોરદાર રીતે પોઝ આપ્યો હતો.
INDvsNZ 3rd T-20 :શુભમને તોડ્યો કોહલી અને રૈનાનો રેકોર્ડ
ગિલે ભારતીય ક્રિકેટ માટે ઇતિહાસ રચ્યો હતો કારણ કે તેણે સુરેશ રૈનાને પાછળ છોડીને ટી-20 સદી ફટકારનારો સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી બન્યો છે. ગિલે 23 વર્ષ અને 146 દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જે રૈનાથી માત્ર 10 દિવસ દૂર હતી. રૈનાએ 2010માં દક્ષિણ આફ્રિકા સામે 23 વર્ષ અને 156 દિવસની ઉંમરે 101 રન ફટકાર્યા હતા. આ મેચમાં શુભમનને 54 બોલમાં 126 રન ફટકાર્યાં હતા જે કોઈ ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ વ્યક્તિગત ટી -20 સ્કોર છે. ગીલે થોડા મહિના પહેલા જ વિરાટ કોહલીના રેકોર્ડને ધ્વસ્ત કરી નાખ્યો હતો. કોહલીએ એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે 61 બોલમાં 122 રન બનાવ્યા હતા, આ રેકોર્ડ માત્ર 146 દિવસ ચાલ્યો હતો અને હવે ગીલે કોહલીનો આ રેકોર્ડ તોડી પાડ્યો છે.
સચિન તેંડુલકરે વર્લ્ડ ચેમ્પિયન ભારતીય U-19 વુમન્સ ટીમનું સન્માન કર્યું
ટોસ પછી, ભારત રત્ન સચિન તેંડુલકરે BCCI પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ સાથે અંડર-19 વર્લ્ડ કપ જીતીને પરત ફરેલી ભારતીય મહિલા ટીમની ખેલાડીઓનું સન્માન કર્યું હતું. તેંડુલકરે શેફાલી વર્માની આગેવાની હેઠળની ટીમને 5 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.
Both teams playing-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.
ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, બી. લિસ્ટનર, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર.