Mumbai : પતિના બેસણામાં પત્નીનું થયું મોત, ‘તું મને છોડીને જઈ જ ન શકે, તું એકલો કેવી રીતે ચાલ્યો જઈશ…’

‘તું મને છોડીને જઈ જ ન શકે, તું એકલો કેવી રીતે ચાલ્યો જઈશ…’

Mumbai : અંબરનાથ રહેતા અને કરિયાણાનો વ્યવસાય કરતા ૫૬ વર્ષના ભરત કેશવજી નાગડાનું મંગળવારે સવારે હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ થયું હતું. તેમની પ્રાર્થના સભા ગુરુવારે દાદરમાં રાખવામાં આવી હતી, જ્યાં ભરતભાઈના સ્મરણમાં ભક્તિગીતો વાગી રહ્યાં હતાં એ દરમ્યાન ત્રીજા ગીત વખતે જ તેમનાં પત્ની જયશ્રીને પણ હાર્ટ-અટૅક આવ્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. એકાએક બે મૃત્યુ થતાં પરિવાર પર શોકની લાગણી પ્રસરી છે. ‘તું મને છોડીને જઈ જ ન શકે, તું એકલો કેવી રીતે ચાલ્યો જઈશ…’ આ શબ્દો ભરતભાઈની અંતિમ ક્રિયા વખતે જયશ્રીબહેન બોલ્યાં હતાં.

માંડવી તાલુકા ના ભોજાયના વતની અને મૂળ અંબરનાથ-ઈસ્ટમાં શિવમંદિર રોડ પર ત્રિશૂલ અપાર્ટમેન્ટમાં રહેતા અને કરિયાણાનો વ્યવસાય કરતા ભરત નાગડા મંગળવારે સવારે દુકાને જવા તૈયાર થઈ રહ્યા હતા એ દરમ્યાન તેઓ બાથરૂમ જઈ રહ્યા હતા ત્યાં જ તેમને હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમને નજીકની હૉસ્પિટલ લઈ જવાયા હતા, પણ ડૉક્ટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. ગુરુવારે સાંજે દાદરના કરસન લધુ નિસર હૉલમાં તેમની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. એ વખતે ભરતભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે ભક્તગીત વાગી રહ્યાં હતાં ત્યારે ત્રીજા ગીતમાં પત્ની જયશ્રીને પણ છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. તરત ડૉક્ટરને બોલાવાતાં તેમણે હૉસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

ભરતભાઈના ભાઈ ખુશાલ નાગડાએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘ભાઈ અને ભાભીનાં ૧૯૮૯માં ઘાટકોપરમાં યોજાયેલાં સમૂહલગ્નમાં વિવાહ થયા હતા. ૩૩ વર્ષના લગ્નજીવનમાં તેઓ એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહ્યાં હતાં. કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ સુખદ-દુખદ પ્રસંગ હોય, બન્ને સાથે જ જતાં. બન્નેની જોડી રામ-સીતાની જોડી કહેવાતી. ભાઈ કરિયાણાની દુકાન ચલાવતા હતા, પણ તેમને થોડો આરામ મળે એ માટે ભાભી દરરોજ ચાર કલાક દુકાને જઈને બેસતાં હતાં. ભરત પહેલાંથી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો. તેણે એસએસસી સુધી દરેક ધોરણમાં પહેલો નંબર મેળવ્યો હતો. જોકે એસએસસી દરમ્યાન પિતાના મૃત્યુ પછી ઘરની જવાબદારી આવતાં તેણે અભ્યાસ છોડી દીધો હતો. લગ્ન બાદ બે પુત્રી થયા પછી પોતાની જવાબદારી પ્રમાણે દીકરીઓને ભણાવી હતી, જેમાંથી એકનાં લગ્ન કરાવી દીધાં હતાં અને બીજી દીકરીને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવી હતી. પહેલાં દુઃખના દિવસો હતા, હવે સુખના દિવસો આવ્યા ત્યારે જિંદગીનેને અલવિદા કહીને બન્ને એકાએક ચાલ્યાં ગયાં. મારા બે ભાઈ હતા, જેમાંથી એકનું મૃત્યુ દોઢ વર્ષ પહેલાં થયું હતું અને હવે બીજા ભાઈનું પણ મૃત્યુ થયંં હોવાથી મારાં મમ્મીને અને અમારા પરિવારને ખૂબ આઘાત લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *