ઠંડી નો ચમકારો : નલિયામાં 13 ડિગ્રી
નલિયા : 10,800 ફૂટની ઊંચાઇએ આવેલા લદ્દાખનાં દ્રાક્ષ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 10 ઇંચ બરફવર્ષા થતાં તેની ઠંડીની સીધી અસર કચ્છના છેવાડે આવેલા નલિયા સુધી પહોંચી છે.
નલિયા ન્યૂનતમ 13 ડિગ્રી સાથે રાજ્યનું આજે ઠંડુ નગર રહ્યું હતું. આમ તો જે રીતે વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહ્યા બાદ હવામાન વિભાગે હાડ ધ્રુજાવતી ઠંડીનો વર્તારો આપ્યો હતો એ મુજબ કચ્છમાં કારતક માસની શરૂઆતમાં જાણે શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. કચ્છમાં હંમેશાં નલિયામાં ઠંડીનો પારો ગગડતો હોય છે ને અત્યારે જ શરૂઆત નલિયાથી થઇ ચૂકતાં આજે સવારે નલિયામાં વહેલી સવારે ચાની લારીવાળાઓએ પોતાની લારી- કેબિન પાસે તાપણા પણ શરૂ કર્યા હતા.
બીજી તરફ વહેલી સવારે પગે ચાલવા જનારા `મોર્નિંગ વોકર્સ’ પણ પોતાના ઊની વત્રો બહાર કાઢીને માથે ટોપી પહેરેલા જોવા મળ્યા હતા. જો કે નલિયામાં 13 ડિગ્રીએ પારો રહ્યો પણ ભુજમાં 16.8 ન્યૂનતમ સેલ્સિયસ રહ્યું હતું. વાતાવરણની વિષમતા એ છે કે સવારે ઠંડીએ જોર પકડયું તો બપોરે હજુ ગરમીનો અહેસાસ થયો હતો કેમ કે મહત્તમ નલિયામાં 31.8 અને ભુજમાં 32.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પરંતુ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા દેશના ઉત્તરી વિસ્તારોમાં થયેલી બરફવર્ષાના કારણે આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાન હજુ ઘટી શકે છે અને વર્તારા પ્રમાણે ડિસેમ્બરમાં નલિયાનો પારો સિંગલ આંકડામાં આવી શકે છે. શિયાળાના પ્રારંભ સાથે ગરમ વત્રોના વેપારીઓ પણ ગરમ જાકિટ, બંડી, ટોપલા લટકાવતા જોવા મળ્યા હતા, તો ભુજ, ગાંધીધામ, મુંદરા અને માંડવી વગેરે શહેરોમાં બહારથી ગરમ વત્રોની સાથે ગરમ બ્લેન્કેટ વેચવાવાળાઓ પણ ઊતરી પડયા છે ને રીતસર આ શિયાળામાં રક્ષણ આપતા પહેરવેશની બજારો ભરાઇ ગઇ છે.