
અમદાવાદનાં સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટ મામલે પોલીસે બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી બે જીવતા બોમ્બ અને દેશી તમંચા પણ પોલીસે ઝપ્ત કર્યા છે.
અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યક્તિનાં ઘરે પાર્સલ મોકલી તેનાં પર જીવલેણ હુમલો કરતા ચકચાર મતી જવા પામી છે. આ બનાવમાં પાર્સલ લઈને ગયેલા બે શખ્શો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આરોપી રૂપેનનો ઈગો હર્ટ થતા તેણે આ ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.
પોલીસે 3 કલાકની અથાગ મહેનત બાદ લાઈવ બોમ્બ નિષ્ફળ કર્યો
ગઈકાલે રાત્રે પોલીસે પાર્સલની ડીલીવરી કરનાર ગૌરવને પકડી પાડ્યો હતો. જે બાદ પોલીસની ટીમે મેઈન સુત્રધાર રૂપેન બારોટ અને બીજા રોકી ઉર્ફે રોહન રાવળને ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસ દ્વારા તેમની પાસેથી કાર અને બે જીવતા બોમ્બ અને એક દેશી તમંચો પણ મળ્યો છે. રૂપેને બોમ્બ અને તમંચો બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થવા પામ્યો છે. પોલીસે 3 કલાકની અથાગ મહેનત બાદ લાઈવ બોમ્બ નિષ્ફળ કર્યો હતો
સસરા અને સાળાને મારવા બોમ્બ બનાવ્યો હોવાનું પોલીસ તમાસમાં સામે આવ્યું
મળતી માહિતી મુજબ 23 માર્ચે રુપેનની પત્નિ પિયર જતી રહી હતી. ત્યારે પત્નીનાં ઘર પાછળ હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતા બળદેવભાઈએ તેમની પત્નિની ઉશ્કેરણી કરી હોવાની આશંકા હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. બળદેવભાઈને મારવા માટે ઈન્ટરનેટનાં માધ્યમથી બોમ્બ અને તમંચો કઈ રીતે બનાવવો તે રિસર્ચ કરી બોમ્બ બનાવ્યો હતો. તેમજ આરોપીઓ દ્વારા ગંધક પાવડર, સર્કિટ અને બેટરી અને એક સ્વીચ રિમોટથી ઓપરેટ થાય તે રીતે બોમ્બ બનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બોમ્બ બનાવી પાર્સલ કરી ગૌરવે મોકલેલ હતું,. તેમજ રૂપેનનો ઈગો હર્ટ થતા સસરા અને સાળાને મારવા બોમ્બ બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
પાર્સલ બોમ્બ બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો
ઘટનાની વિગતે વાત કરીએ તો સાબરમતી વિસ્તામાં આવેલા શિવમ રો હાઉસમાં રહેતા બળદેવભાઈ સુખડીયાના ઘરે સવારે 10 વાગ્યે એક યુવક પાર્સલ લઈને આવ્યો હતો. જ્યારે સોસાયટીના નાકે બે યુવક રિક્ષામાં બેઠા હતા. આ પાર્સલ બળદેવભાઈની પત્નીએ લીધું હતું, પરંતુ આવું કોઈ પાર્સલ મગાવ્યું ન હતું તો આ કોણે મોકલ્યું જેની વાતચીત કરતા હતા. ત્યારે પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને અચાનક બ્લાસ્ટ થઈ ગયો હતો. જે પાર્સલ બ્લાસ્ટમાં બળદેવભાઈનો પિતરાઈ ભાઈ કિરીટ સુખડીયા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક લોકોએ પાર્સલ આપવા આવેલા ગૌરવ ગઢવી નામના યુવકને પકડી લીધો હતો. જે યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્કોડ તેમજ બૉમ્બ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.