વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું.
ગુજરાત જાયન્ટ્સ પાસે મેચ જીતવા માટે 208 રનનો ટાર્ગેટ હતો, પરંતુ બેથ મૂનીની ટીમ માત્ર 64 રન જ બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સના 9 ખેલાડીઓ બે આંકડાને સ્પર્શી શક્યા ન હતા. ગુજરાત જાયન્ટ્સ માટે દયાલન હેમલતાએ 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સાઈકા ઈસાકે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે નેટ સાયવર બ્રન્ટ અને અમેલિયા કેરને 2-2 સફળતા મળી હતી.
હરમનપ્રીત કૌરની તોફાની ઇનિંગ્સ
આ પહેલા ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 207 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 30 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર હેલી મેથ્યુઝે 31 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોની ઝડપી ઈનિંગ્સ
આ સિવાય અમેલિયા કેર 24 બોલમાં 45 રન બનાવીને અણનમ પરત ફરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. નીટ સાયવર બ્રન્ટે 18 બોલમાં 23 રન બનાવ્યા હતા. જ્યારે પૂજા વસ્ત્રાકરે 8 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું હતું. ઈસાક વોંગને માત્ર 1 બોલ રમવાની તક મળી, જેના પર તેણે સિક્સર ફટકારી હતી. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ઓપનર યાસ્તિકા ભાટિયા 8 બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી, પરંતુ તે પછી ટીમે શાનદાર બેટિંગના કારણે જંગી સ્કોર બનાવ્યો હતો.
ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 4 ઓવરમાં 43 રન આપીને 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય એશ્લે ગાર્ડનર, તનુજા કંવર અને જ્યોર્જિયા વેરહેમને 1-1થી સફળતા મળી હતી. અગાઉ ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.