World Eye Donation Day : વિશ્વભરમાં આવતીકાલે ઉજવાશે વિશ્વ નેત્રદાન દિવસ , જાણો તેની સાથે સંકળાયેલી વાતો, માન્યતાઓ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો
World Eye Donation Day : વિશ્વભરમાં ૧૦ જૂનના દિવસને ‘વિશ્વ નેત્રદાન દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. દૃષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવામાં ઉમદા ઉદ્દેશ સાથે ‘વિશ્વ નેત્રદાન દિવસ’ અંતર્ગત દૃષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો સહિત ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’ સહિત ચક્ષુદાન અંગે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આજે વાત કરીએ ચક્ષુદાન સાથે સંકળાયેલી વિવિધ વાતો, માન્યતાઓ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે.
ચક્ષુદાન અંગે ધ્યાનમાં રાખવાની બાબતો
ચક્ષુદાન એટલે શું? ચક્ષુદાન કોણ કરી શકે?
World Eye Donation Day : કોઇ પણ વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુ દાનમાં આપી શકે છે. આ માટે તે જીવન દરમ્યાન ચક્ષુદાન અંગેનો સંકલ્પ કરી શકે છે. જો કોઇ વ્યક્તિએ જીવન દરમ્યાન સંકલ્પ ન કરેલ હોય તોપણ તેના મૃત્યુ બાદ તેના વારસો આ અંગેનો નિર્ણય લઇ શકે છે.
ચક્ષુદાન માટે કોઇ ઉંમર બાધ છે?
World Eye Donation Day : કોઇ પણ ઉંમરની વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુ દાનમાં આપી શકે છે. યુવાન વ્યક્તિઓની કીકીની ગુણવતા ખૂબ જ સારી હોય છે, જેથી કીકી પ્રત્યારોપણ બાદ ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે. ચક્ષુદાન મૃત્યુ બાદ કેટલા સમયમાં થઇ જવું જોઇએ? વ્યક્તિના મૃત્યુ બાદ જેટલું બને તેટલું જલ્દીથી ચક્ષુદાન થઇ જવું જોઇએ. દાનમાં મળેલ ચક્ષુની ગુણવતા જળવાઇ રહે અને તેનો મહત્તમ ઉપયોગ કીકી પ્રત્યારોપણમાં થઇ શકે તે હેતુસર મૃત્યુ બાદ ૨થી ૪ કલાકની અંદર ચક્ષુદાન થઇ જાય તે હિતાવહ છે.
કેવા સંજોગોમાં ચક્ષુદાન ન થઇ શકે?
World Eye Donation Day : સામાન્ય રીતે તમામ વ્યક્તિ તેમના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી શકે છે. ખાસ કિસ્સા જેવા કે, અકસ્માતમાં થયેલ આંખની ઇજા, આંખની કીકીમાં જીવન દરમ્યાન લાગેલ ચેપના કારણે ફુલુ પડી ગયેલ હોઇ તેવા કિસ્સામાં ચક્ષુદાન ન થઇ શકે.
ચક્ષુદાન કરવા માટે કોનો સંપર્ક કરવો?
ચક્ષુદાન કરવા માટે જે-તે વ્યક્તિ પોતાના રહેઠાણની નજીકના કોઇ પણ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.
ચક્ષુદાન સ્વીકારાય ત્યાં સુધી શું કાળજી લેવી જોઇએ?
World Eye Donation Day : મૃત્યુ થયા બાદ વ્યક્તિના આંખના પોપચા બંધ કરીને તેને ભીના રૂમાલ વડે કવર કરી રાખવા જોઇએ. રૂમમાં પંખો બંધ કરી દેવો. ચક્ષુ સ્વીકારવા માટે ટીમ આવે ત્યાં સુધીમાં દર્દીના મૃત્યુના લગતા તમામ તબીબી રિપોર્ટ એકઠા કરી રાખવા. આ ઉપરાંત દર્દીનું કોઇ પણ પ્રકારનું ઓળખપત્ર સાથે રાખવું.
એક વ્યક્તિના ચક્ષુદાનથી કેટલા વ્યક્તિઓને દૃષ્ટિ આપી શકાય?
આધુનિક ટેકનોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી ૩થી ૪ વ્યક્તિઓને અલગ – અલગ પ્રકારની કીકી પ્રત્યારોપણની પદ્ધતિ દ્વારા દૃષ્ટિ આપી શકાય છે. ચક્ષુદાતાની વિગતો ગોપનીય રાખવામાં આવે છે.