નારી તું નારાયણી: મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ, માત્ર સંખ્યા જ નહીં કામમાં પણ સ્ત્રીઓ આગળ

પ્રથમ વખત દેશમાં મહિલાઓની સંખ્યા પુરુષ કરતાં વધારે થઈ છે. પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે, હવે દેશમાં પ્રતિ 1000 પુરુષની સામે 1020 મહિલા છે. પહેલાં દેશમાં બાળકીઓની ભ્રૂણ હત્યાઓ થતી હતી, એટલે કે તેમના માટે જીવનની તકો છોકરાઓની તુલનામાં ઘણી જ ઓછી હતી, હવે તે આગળ વધી ગઈ છે. હવે ગામમાં 1000 પુરુષની સામે 1037 તથા શહેરમાં 985 મહિલા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 પ્રમાણે, ગામમાં પ્રતિ 1000 પુરુષની તુલનાએ 1009 મહિલા તથા શહેરમાં આ આંકડો 956નો હતો.
દેશમાં પુરુષની તુલનામાં મહિલાની સંખ્યા વધુ હોવાનું કારણ એ છે કે જન્મના સમયે સેક્સ રેશિયોમાં સુધારો થયો છે. 2015-16માં જન્મ સમયે સેક્સ રેશિયો પ્રતિ 1000 બાળકો પર 919 બાળકીનો હતો, હવે 929 છે. આ જ કારણે શહેર તથા ગામ બંને જગ્યાએ પ્રતિ હજાર પુરુષની સામે મહિલાની સંખ્યા વધી છે. સૌથી સારી વાત એ છે કે શહેરની તુલનાએ ગામમાં સુધારો સારો રહ્યો છે. ગામમાં હવે 1000 પુરુષ પર 1037 મહિલા છે, જ્યારે શહેરમાં 985 મહિલા છે.
દેશમાં મહિલાઓની માત્ર સંખ્યા જ વધી નથી, પરંતુ અભ્યાસ તથા કામની બાબતમાં પણ મહિલાઓ આગળ વધી છે. વિજ્ઞાન તથા ગણિતના ગ્રેજ્યુએટ્સમાં મહિલાઓની પાર્ટનરશિપ 43% છે. આ સંખ્યા અમેરિકામાં 34%, બ્રિટનમાં 38% તથા જર્મનીમાં 27%થી વધુ છે.
આ જ રીતે કામની વાત કરીએ તો દેશમાં રજિસ્ટર્ડ 50 હજાર સ્ટાર્ટઅપ્સમાં 45% મહિલાઓ છે. મહિલાઓના સ્ટાર્ટ અપ 5 વર્ષના સમયગાળામાં પુરુષના સ્ટાર્ટ અપની તુલનાએ 10% વધુ કમાણી કરે છે અને ત્રણ ગણી અધિક મહિલાઓને રોજગારી આપે છે. આ આંકડા એ વાતનો સંકેત છે કે મહિલાઓના સમય આવી રહ્યો છે.
બિઝનેસમાં પણ મહિલાઓ અમૂલ્ય યોગદાન આપી રહી છે. દેશમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ વિભાગમાંથી માન્યતા પ્રાપ્ત 50 હજારથી વધુ સ્ટાર્ટઅપ છે, જેમાંથી ઓછામાં ઓછા 45% મહિલા ઉદ્યમીના છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના મતે, મહિલાઓએ બનાવેલા સ્ટાર્ટ અપ પાંચ વર્ષના સમયગાળામાં પુરુષના સ્ટાર્ટ અપ કરતાં 10% વધુ કમાણી કરે છે. આ સ્ટાર્ટ અપ પુરુષની તુલનાએ 3 ગણી મહિલાઓને રોજગાર આપે છે.
મહિલાઓના નેતૃત્વ ધરાવતા વ્યવસાયો આગામી 5 વર્ષમાં 90% વધે તેવું અનુમાન છે. 2030 સુધીમાં 3 કરોડથી વધુ મહિલા નેતૃત્વવાળા વ્યવસાયોમાંથી 150-170 મિલિયન નોકરી મળે તેવી આશા છે.
હાલમાં ભારતમાં 1.57 કરોડથી વધુ મહિલા નેતૃત્વવાળા ઉદ્યોગો છે, જેમાં સ્ટાર્ટ અપ પણ સામેલ છે. નાના તથા લઘુ ઉદ્યોગો સંસ્થાકીય 10 લાખ સુધીની ધિરાણ યોજનામાં મહિલાઓએ પુરુષોની તુલનામાં વધુ લોન લીધી છે. મહિલાઓએ 2.78 અમેરિકન ડૉલરની લોન લીધી છે, જ્યારે પુરુષોએ 1.54 મિલિયન ડૉલરની લોન લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *