સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. એક મહિનામાં બે વખત શ્વાને બચકા ભરતા યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. રખડતા શ્વાનના હુમલા બાદ શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવકનું મોત થયું છે. મહત્વનું છે કે, 28 વર્ષીય યુવકને રખડતા શ્વાને એક મહિનામાં બે વખત બચકા ભર્યા હતા. મળતી માહિતી મુજબ, સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મી નગર ખાતે રહેતા 28 વર્ષના રાજન નામના યુવકને શ્વાને બચકા ભર્યા હતા. રાજનને શ્વાને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. યુવકને પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં અને બીજી વખત 21 માર્ચે શ્વાને બચકું ભર્યું હતું.
શ્વાનના બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. જેથી તેની સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
6 વર્ષના બાળક પર કર્યો હતો હુમલો
આ પહેલા પણ સુરતમાંથી હાથના રુંવાડા ઉભા કરી નાખે એવો બનાવ સામે આવ્યો હતો. શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરના આંગણે રમી રહેલા 6 વર્ષના બાળકને શ્વાને 25 બચકાં ભર્યા કર્યા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બાળકનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.
શ્વાને ભર્યા હતા 25 જેટલા બચકા
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના એકના એક વહાલસોયા પુત્ર સાહિલ પોતાના ઘર આંગણે રમી રહ્યો હતો તે દરમ્યાન અચાનક જ એક શ્વાન આવી ચડ્યો હતો અને રમી રહેલા સાહિલ પર હુમલો કર્યો હતો. જેમાં સાહિલના પેટના ભાગથી લઈ મોઢા સુધી અંદાજીત 25 જેટલા બચકા ભર્યા હતા. ગંભીર રીતે ઘાયલ સાહિલ બે ભાન થઈ ગયો હતો.
સારવાર દરમિયાન થયું હતું મોત
તેના માતા-પિતા દ્વારા તેને તાત્કાલિક ખાનગી ક્લિનિકમાં સારવાર માટે લઈ જવાયો હતો. જોકે, ગંભીર ઈજાના પગલે ક્લિનિકથી સિવિલ હોસ્પિટલમાં 108ની મદદથી રીફર કરાયો હતો. જ્યાં સારવાર ચાલુ કરાઈ તે દરમ્યાન જ સાહિલે દમ તોડી દીધો હતો. સાહિલ પરિવારનો એકનો એક દીકરો હતો. પુત્રના મોતને પગલે માતા-પિતા ઘેરા શોકમાં ગરકાવ થયા હતા.
સળગતા સવાલ
– રખડતા શ્વાનના આતંકથી ક્યારે મળશે છુટકારો?
– વારંવાર બનતી ઘટનાઓ બાદ પણ તંત્ર કેમ નથી જાગતું?
– યુવકની મોત માટે જવાબદાર કોણ?
– રખડતા શ્વાનની સમસ્યા સામે તંત્ર ક્યારે કરશે કાર્યવાહી?