CRIME KING NEWS : અપહરણ થયેલ બાળક હેમખેમ : માંડવી પોલીસ અને LCB એ કેસ ડિટેકટ કર્યો
Mandvi : ચોકલેટ આપવાની લાલચ આપીને માંડવી માંથી પાંચ વર્ષના બાળકનું અપહરણ કરનાર યુવકને ઉત્તરપ્રદેશથી ઝડપીને પોલીસ બાળક સાથે માંડવી લઈ આવી છે. અપહૃત બાળક ઓમ એકદમ સહીસલામત છે. પોતાનો પુત્ર હેમખેમ પરત મળી આવતાં શ્રમજીવી માવતરના હૈયે ટાઢક થઈ છે. પોલીસની સફળ કામગીરીની પણ ભારે સરાહના થઈ રહી છે. ઓમના પિતા ચંદ્રશેખરના જણાવ્યા મુજબ ૧૪-૦૯-૨૦૨૨ના રોજ આરોપી ધર્મવીર તેમને ચાની હોટેલ પાસે મળેલો. તેને કામ અપાવવાના હેતુથી તે ધર્મવીરને માંડવી ભીડ બજાર ખાતે લઈ આવ્યાં હતા. દરમિયાન, ફરિયાદી તેમના પુત્ર ઓમને સુલભ શૌચાલયના રેસ્ટરૂમના પરિચિત કર્મચારી પાસે મૂકીને બજારમાં ગયાં ત્યારે ધર્મવીર ઓમને ચોકલેટ અપાવવાની લાલચ આપીને ઉપાડી ગયો હતો.
CRIME KING NEWS : ધર્મવીર પાસે ફોન નહોતો પણ પિતાનો નંબર મળી ગયો
ફરિયાદ નોંધાયા બાદ માંડવી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં સ્પષ્ટ થયું હતું કે ધર્મવીર છેલ્લાં પાંચ-છ દિવસથી મસ્કામાં જોવા મળ્યો હતો. મસ્કામાં એક નિવૃત્ત એએસઆઈ રુદ્રદત્તસિંહના બની રહેલાં ફાર્મહાઉસમાં તે કડિયાકામ કરતો હતો. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે રુદ્રદત્તસિંહના સાળા યશપાલે તેને મોરબીથી મોકલ્યો હતો. પોલીસે યશપાલને પૃચ્છા કરી તો યશપાલે જણાવ્યું કે તેમને ત્યાં કામ કરતાં રામબહાદુરે ધર્મવીરનો પરિચય કરાવેલો. રામબહાદુર ધર્મવીરને ઓળખતો હતો. અગાઉ તે રામબહાદુર પાસે કામ કરતો હતો ત્યારે ઘણીવાર તેનો ફોન લઈ ઉત્તરપ્રદેશમાં તેના પિતા જોડે વાતો કરેલી. પોલીસે રામબહાદુર પાસેથી ધર્મવીરના પિતાનો મોબાઈલ નંબર મેળવી તેમનો સંપર્ક કરી જાણ કરી હતી કે તેમનો પુત્ર માંડવીથી બાળકનું અપહરણ કરીને નાઠો છે.
ધર્મવીર પાસે પૈસા પણ નહોતા અને મોબાઈલ ફોન પણ નહોતો. માંડવીથી તે રસ્તે જતાં વાહનોમાં લિફ્ટ લઈને ગાંધીધામ અને ત્યાંથી મોરબી પહોંચ્યો હતો. મોરબીથી રાજકોટ પહોંચી તે દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગયો હતો. બીજી તરફ, કચ્છ પોલીસે ધર્મવીરના પિતાનો મોબાઈલ નંબર ટેકનિકલ સર્વેલન્સ પર મૂકી દીધો હતો. જેથી જેવો તે પિતાનો સંપર્ક કરે તેવી ખબર પડે.
CRIME KING NEWS : માંડવીથી રાજકોટ જઈ ત્યાંથી ટ્રેનમાં બેઠેલો
CRIME KING NEWS : ટ્રેનમાં સહપ્રવાસીએ પોલીસને મદદ કરી પણ
ધર્મવીર ટ્રેનમાં જતો હતો ત્યારે અજાણ્યા સહપ્રવાસી પાસેથી ફોન મેળવી એકવાર પિતાને ફોન કર્યો હતો. પોલીસે તુરંત જ તે સહપ્રવાસીનો સંપર્ક કરી તેનો ફોટો અને બાળકનો ફોટો મગાવ્યાં હતા. સહપ્રવાસીએ તેને ખબર ના પાડે તે રીતે બેઉના ફોટો પાડી પોલીસને મોકલી આપ્યાં હતા. જેથી ધર્મવીર બાળક સાથે ટ્રેનમાં જ હોવાનું કન્ફર્મ થઈ ગયું હતું. પરંતુ, જે સહપ્રવાસીએ તેના પર નજર રાખી પોલીસને મદદ કરેલી તે પોતાનું સ્ટેશન આવતાં ઉતરી ગયો હતો અને પોલીસ ફરી ‘હેલ્પલેસ’ થઈ ગઈ હતી. ને પોલીસની મૂંઝવણનો હલ આવી ગયો
પોલીસ માટે સૌથી મોટી મૂંઝવણ એ હતી કે ધર્મવીરને કઈ રીતે પકડવો. કારણ કે બાળકને લઈને તે ક્યાં જતો હતો તે નક્કી નહોતું. જો કે, બીજા દિવસે ધર્મવીરે ફરી અજાણ્યા વ્યક્તિનો ફોન પરથી પરિવારનો સંપર્ક કર્યાં બાદ તે તેના ગામ સંત કબીરનગર જિલ્લાના ધનઘાટા તાલુકાના કોદવટ ગામે જતો હોવાનું નક્કી થઈ ગયું હતું.
CRIME KING NEWS : કચ્છ પોલીસ હવાઈમાર્ગે યુપી પહોંચી ગઈ
ધર્મવીર બાળકને લઈ ઘેર પહોંચે તેવો તેને દબોચી લેવા કચ્છ પોલીસે આયોજન કર્યું હતું. માંડવી પોલીસની ટીમ ખાસ હવાઈમાર્ગે યુપી પહોંચી હતી. શુક્રવારે પરોઢે ધર્મવીર તેના ઘેર પહોંચે તે પહેલાં માંડવી પોલીસ યુપીની સ્થાનિક પોલીસની મદદથી તેના ઘરે પહોંચી ગઈ હતી અને જેવો ધર્મવીર આવ્યો કે તેને દબોચી લઈ બાળકને મુક્ત કરાવી દીધો હતો.
પોલીસ બાળક સાથે અપહરણકાર ધર્મવીર યાદવને માંડવી લઈ આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેણે ઓમ સાથે કોઈ ખોટું કૃત્ય કર્યું નહોતું. તેને સમયસર ખવડાવતો-પીવડાવતો હતો. ધર્મવીર પોતે પણ પરિણીત છે અને બે વર્ષના બાળકનો પિતા છે.
CRIME KING NEWS : ઓમના પિતા જોડે થયેલો ઝઘડો કારણભૂત?
પ્રાથમિક પૂછતાછમાં ધર્મવીરે કબૂલ્યું છે કે ફરિયાદી ચંદ્રશેખર જોડે કામ અપાવવા બાબતે તેને ઝઘડો થયેલો. જેથી ગુસ્સામાં આવી તેના પુત્રનું અપહરણ કરી યુપી રવાના થઈ ગયેલો. જો કે, તેની આ કબૂલાત પોલીસને પૂરેપૂરી ગળે ઉતરી નથી. તેને રીમાન્ડ પર લઈ અપહરણનો હેતુ જાણવા પ્રયાસ કરાશે.
CRIME KING NEWS : પડદા પાછળ રહેલાં અસલી હિરો આ છે
પાંચ વર્ષના બાળકને ઉત્તરપ્રદેશથી સહીસલામત રીતે પરત લાવવાના સફળ ઓપરેશન પાછળ રેન્જ આઈજી જે.આર. મોથલીયા, એસપી સૌરભસિંઘ, ડીવાયએસપી જે.એન. પંચાલના માર્ગદર્શનમાં માંડવીના પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. રબારી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એસ.એન. ચુડાસમા, માંડવીના હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, દિલીપ ડામોર, વિપુલ પરમાર, સંજય ચૌધરી, ધર્મેન્દ્રસિંહ સોઢા, નીલેશ ચૌધરી, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ડાભી, ભાર્ગવ ચૌધરી, કિરણ ચૌધરી, ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ, બલભદ્રસિંહ રાણાએ દિવસ-રાત મહેનત કરી હતી.
CRIME KING NEWS : પશ્ચિમ કચ્છ પોલીસની શ્રેષ્ઠ કામગીરી ને લોકોએ બિરદાવી
પોલીસ ની કામગીરી ની નોંધ લઈ માંડવી શહેર ના શહેરીજનો એ પોલીસ ને બિરદવ્યા છે.સોશિયલ મીડિયા પર પોલીસ કામગીરીને લોકોએ બિરદાવી છે.મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર દ્વારા LCB અને માંડવી પોલીસ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.અને આ કેસ માં બાળક ના પરિવાર ને મદરૂપ થયેલ ગીતાબેન ગોર ,સચિન મહેશ્વરી સહિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
New Update News:-https://crimekingnews.com/