Gandhinagar / સરગાસણમા બિનવારસી કારમાથી મળ્યા હથિયાર, મોટા કાવતરાનો થઈ શકે પર્દાફાશ

Gandhinagar : સરગાસણના ફ્લેટના પાર્કિંગમાં બિનવારસી મળેલી અમદાવાદ પાસિંગની વર્ના કારમાંથી પોલીસને હથિયારોનો જથ્થો મળી આવ્યો હતોઃ મોટા કાવતરાનો પર્દાફાશ થાય તેવી શક્યતા

કારની નંબર પ્લેટ બોગસ હોવાનો ઘટસ્ફોટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરની (Gandhinagar) મુલાકાતે આવવાના છે ત્યારે સરગાસણ ખાતેથી હ‌થીયારો ભરેલી ‌બિનવારસી વર્ના કાર મળી આવતાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદ પાસિંગની કારમાંથી હ‌થીયારોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે જાણવા મળ્યું કે નંબર પ્લેટ ખોટી છે. પોલીસે કારના ચેસીસ નંબરના આધારે તપાસ શરૂ કરી છે ત્યારે સૂત્રો પાસેથી મળેલી મા‌હિતી મુજબ હ‌થીયારો ભરેલી કાર ચોરીની હોવાની આશંકા સેવાઇ રહી છે. સમગ્ર ઘટનામાં ચોંકાવનારો સવાલ એ ઊભો થાય છે કે ફ્લેટના પાર્કિંગમાં હ‌થીયારો ભરેલી કાર પાર્ક કરવાનો ઇરાદો શું હોઇ શકે છે. 

કારની નંબર પ્લેટ બોગસ હોવાનો ઘટસ્ફોટ

ગાંધીનગરની (Gandhinagar) બોર્ડર પર આવેલા સરગાસણ ખાતેની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં હ‌થીયારો ભરેલી કાર મૂકીને ડ્રાઇવર નાસી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ સોસાયટીમાં પરેશભાઈ જશવંતલાલ સોની ચેરમેન તરીકે સેવા આપે છે. પરેશભાઇ 7 મેના રોજ રાતના આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા ત્યારે સોસાયટીમાં સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં ઊભી હતી. પરેશભાઈએ સિક્યોરિટીનું ધ્યાન દોરતાં તેણે બેઝમેન્ટમાં જઇ તપાસ કરી હતી. બેઝમેન્ટમાં જીજે 1 આરજે 5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના કાર ઊભી હતી અને ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં તેઓ ભેગા થઈને કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ
પરેશભાઇએ કારની અંદર જોતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલનાં કારતૂસ જોવા મળ્યાં હતાં. પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલનાં પ્લાસ્ટિક 35 એમએમનાં 25 કારતૂસ મળી આવ્યાં હતાં. કારની પાછળની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્તોલ, દેશી બનાવટના તમંચા, પિસ્તોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર-પિસ્તોલના કારતૂસ વગેરે મળી આવ્યાં હતાં. પોલીસ દ્વારા ક્રેનની મદદ લઈ હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી. હ‌િથયારો ભરેલી કાર મળતાંની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ હતી. ઇન્ફો‌સિટી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે સીસીટીવીની મદદથી કારને બિનવારસી છોડી ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલા કારતૂસમાંથી ઘણા બધા બ્લેન્ક હોવાના કારણે ગુનાઈત પ્રવૃત્તિમાં આ હથિયારોનો ઉપયોગ થયો હોવાની પણ આશંકા છે.

અનેક હથિયારો મળી આવ્યા
હથિયારો કેવી રીતે પહોંચ્યાં તેની તપાસ કરવાનું પોલીસે શરૂ કરી દીધું છે ત્યારે કંઇક ગુનાઈત કાવતરું ઘડાઇ રહ્યું હોવાનું પણ પોલીસનું માનવું છે. બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમના 57 કારતૂસ, બાર બોર રાઈફલનાં બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમનાં 50 કારતૂસ,   રિવોલ્વર પોઈન્ટ 38 એમએમનાં 18 કારતૂસ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમનાં 7 કારતૂસ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમનાં 7 કારતૂસ, રિવોલ્વરના પોઈન્ટ 7.65 એમએમનાં 75 કારતૂસ, રિવોલ્વર પોઈન્ટ ૩ર એમએમનાં બ્લેન્ક 2 કારતૂસ, પિસ્તોલનાં 9 એમએમનાં બ્લેન્ક 27 કારતૂસ, દેશી બનાવટની કાળા કલરની મેગેઝિન સાથેની પિસ્તોલ, દેશી બનાવટની લાકડાવાળી પિસ્તોલ, દેશી બનાવટના બે તમંચા, પિસ્તોલનાં 3 ખાલી મેગેઝિન, 4 પેન ડ્રાઈવ, મેમરીકાર્ડ અને કાર્ડ રીડર અને કાર સહિત કુલ રૂ. પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

પેન ડ્રાઇવથી ખૂલી શકે છે મહત્ત્વનાં રાઝ
ગાંધીનગર પોલીસ સહિત ગુજરાત એટીએસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓએ પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કારમાં લગાવેલી નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કાર ચોરીની હોઇ શકે છે. આ સિવાય કારમાંથી ચાર પેન ડ્રાઇવ તેમજ મેમરીકાર્ડ મળી આવ્યાં છે. પોલીસને શંકા છે કે   પેન ડ્રાઇવમાં ઘણાં બધાં મહત્ત્વનાં રાઝ છુપાયેલાં હોઇ શકે છે. આજે સાંજ સુધીમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થઇ જાય તેવું અધિકારીઓનું કહેવું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *