
વિશ્વાસ ની છાયા અને ખંજર ની ચમક… જાનીની કલમે..
વિશ્વાસ સંબંધોને મજબૂત બનાવે છે, વાયદા તેને ટકાવી રાખે છે, પરંતુ નકલી ખુશામત અને દગો એ જ સંબંધોને અંદરથી ખોખલા કરી નાખે છે
વિશ્વાસ અને વાયદા માનવ સંબંધોની સૌથી મજબૂત આધારશિલા છે. જીવનમાં આપણે ઘણી વખત કોઈ આપેલી ખુશીથી એટલા આનંદિત થઈ જઈએ છીએ કે એ ખુશી પાછળ રહેલી લાગણી અને વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલી જઈએ છીએ. સમય જતાં ખુશી ઓસી પડે છે અને એ મદદ તથા એ માણસ પણ યાદોની બહાર સરકી જાય છે. પરંતુ એક સમય એવો આવે છે, જ્યારે બધું ફરી યાદ આવે છે પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.
કહેવત છે કે પાણી વહી ગયા પછી બાંધેલી પાળ કોઈ કામની નથી. એ જ રીતે વીતી ગયેલા સમય પછી વ્યક્ત કરેલી કદર અને આભાર ઘણીવાર અફસોસ પૂરતા જ રહી જાય છે. જ્યારે આભાર વ્યક્ત કરવાનો સમય હતો ત્યારે આપણે સફળતાની દોડમાં વ્યસ્ત હતા અને જ્યારે થંભી વિચારીએ છીએ ત્યારે સંબંધો હાથમાંથી નીકળી ગયા હોય છે.
જીવન કેટલું લાંબું છે એ કોઈને ખબર નથી, પરંતુ જીવનમાં સારા અને સાચા લોકો મળવાના મોકા ચોક્કસ ઓછા છે. વિશ્વાસ જીતવો સહેલો નથી. તક તો ઉપરવાળો આપે છે, પરંતુ એ તકને સાચવી રાખવાની સમજ અને સંવેદનશીલતા માણસે જાતે વિકસાવવી પડે છે. આંખો મીંચી મૂકેલો વિશ્વાસ ઘણું બધું આપી જાય છે, પરંતુ એ તૂટી જાય ત્યારે નુકસાન માત્ર સંબંધનું નહીં, આત્મિક શાંતિનું પણ થાય છે.
આ સંદર્ભમાં ‘વિશ્વાસ, વાયદા, ખુશામત અને ખંજર’ આ ચાર શબ્દો એકબીજાથી અતૂટ રીતે જોડાયેલા છે. વિશ્વાસ એટલે આધાર અને વાયદો એટલે આપેલો શબ્દ. જયાં સુધી આ બંને સાચી લાગણી અને ઈમાનદારીથી જળવાય છે, ત્યાં સુધી સંબંધ પવિત્ર રહે છે. પરંતુ જ્યારે એમાંથી એક તૂટે છે, ત્યારે નકલી ખુશામત જન્મ લે છે અને અંતે દગો અર્થાત ખંજર સંબંધોને વિંધે છે.
જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે આંખોમાંથી આંસુ નહીં, પરંતુ દિલમાંથી જ્વાળા નીકળે છે. કહેવત છે કે દગો કોઈ અજાણ્યો નહીં, સગો જ આપે છે. ઘા કદાચ સમય સાથે રૂઝાઈ પણ જાય, પરંતુ કોઈના વિશ્વાસ સામે કરેલી ચાલાકી જીવનભર મનને ચીંધતી રહે છે.
સંબંધો ત્યારે જ તૂટવાની અણી પર આવે છે, જ્યારે વિશ્વાસની પેનશીલની અણીએ તમારી જિંદગી લખી હોય અને તમે એ અણીને સાચવવાના બદલે તોડી નાખો. સફળતા પાછળ કોઈની મહેનત અને કોઈનો અડગ વિશ્વાસ છુપાયેલો હોય છે એને ચમકવા દેજો, નહીં તો એક દિવસ તમારી પોતાની ચમક પણ ઓસી પડી જશે.
લાગણીના સંબંધોમાં કપટને સ્થાન આપવું ખતરનાક છે. ભૂલ થઈ હોય તો માફી માગવી કમજોરી નહીં, પરંતુ સંબંધ બચાવવાની તાકાત છે. અંતે એટલું જ યાદ રાખવું જોઈએ કે ઊંચાઈએ પહોંચવું મહત્વનું છે, પરંતુ આવવાનું તો જમીન પર જ છે. અને જ્યાં વિશ્વાસ છે ત્યાં જીત છે; જ્યાં સચ્ચાઈ છે ત્યાં વાયદા છે; અને જ્યાં સાચા સંબંધો છે ત્યાં વેર કે ખંજર માટે કોઈ જગ્યા નથી…અંતે એટલું જ કે સંબંધોમાં જીત હંમેશા આગળ રહેવામાં નથી, ક્યારેક પાછળ હટી વિશ્વાસ બચાવવામાં હોય છે. કારણ કે જ્યાં વિશ્વાસ બચ્યો, ત્યાં સંબંધ બચ્યો અને જ્યાં દગો આવ્યો, ત્યાં શબ્દો પણ શરમાઈ જાય છે.