રામચરિત માનસ ગ્રંથમાં જીવન જીવવાના આદર્શો વર્ણવવામાં આવ્યા છે. તુલસીદાસજી મહારાજે હજારો વર્ષ પૂર્વે આ ગ્રંથમાં વર્ણવેલા મૂલ્યોના અનુસરણથી ભવસાગર પાર થઇ જવાય છે.
રામાયણના મધ્યમાં ગુરુમહિમા મુખ્ય છે. આ ગ્રંથમાં સાત સોપાન, સાત પગથિયાં, સાત કાંડ, સપ્ત ઋષિ, સાત વાર, વિવિધ સાત મંત્ર તુલસીદાસજીએ લખ્યા છે,
તેના સંપૂર્ણ સારની કથા વર્ણવતાં કથાકાર મોરારિબાપુએ દરેક માનવીને રામકથાના આદર્શો જીવનમાં અનુસરવાથી જીવન ધન્ય બને તેવી શીખ આપી હતી. દરેક ગામમાં રામમંદિર હોવું જોઇએ, ન હોય તો તુલસીપત્રથી સંકલ્પ કરો અને તે સંકલ્પ સાર્થક થશે.
અયોધ્યામાં રામમંદિરના ભવ્ય નિર્માણને વધાવતાં આ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા પછી અયોધ્યામાં રામકથા કરવાનો સંકલ્પ કોટડા (જ.) ખાતે આયોજિત રામકથાના પ્રારંભની વેળાએ વ્યક્ત કર્યો હતો.
નખત્રાણા તા.ના કોટડા (જ.) સમીપે આવેલી સિંહટેકરી સ્થિત સંત ત્રિકમસાહેબના મંદિરે સંસ્થાનમાં જાણીતા રામાયણી કથાકાર પૂ. મોરારિબાપુની વ્યાસપીઠે રામકથા’ આરંભ પ્રસંગે ત્રિકમસાહેબના મંદિરે મહંત પૂજારી દીપકનાથજીએ પોથીપૂજા કરાવી વિશાળ સંખ્યામાં સાધુ-સંતો-ભાવિક શ્રોતાઓની ઉપસ્થિતિમાં પોથીયાત્રાથી આરંભ કરાવ્યો હતો.
વાજતે-ગાજતે પોથીયાત્રા કથામંડપમાં વ્યાસપીઠ પર પધરાવવામાં આવી હતી. રામચંદ્ર ભગવાનની જય, ત્રિકમસાહેબની જયના જયનાદથી ભાવિકો રામમય બન્યા હતા. સંતોના હસ્તે દીપ પ્રાગટય બાદ રામકથાના મુખ્ય યજમાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સ્વાગત પ્રવચનમાં કથાકાર, સાધુ-સંતો, રાજકીય ક્ષેત્રના પ્રતિનિધિઓ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતા ભાવિકોને આવકાર્યા હતા.
એક જ વર્ષમાં કચ્છને બીજી રામકથાનું સૌભાગ્ય પ્રાપ્ત થયાનું ગૌરવ વ્યક્ત કરતાં શ્રી ચાવડાએ મોરારિબાપુ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે સંત ત્રિકમસાહેબની ચિત્રોડ ધર્મ- કર્મભૂમિ અને રાપરમાં જીવંત સમાધિ લેનારા સંત ત્રિકમસાહેબનાં આ સ્થળે પગરણ થયા અને તેમના ભજનના પ્રતાપે મંદિર નિર્માણ અને રામકથાનો અવસર પ્રાપ્ત થયો તેનો હર્ષ વ્યક્ત કરતાં આ કથા સમસ્ત સમાજોની કથા છે, તેનો પૂરો લાભ લેવા જણાવ્યું હતું. ચિત્રોડમાં અઢી સદી પૂર્વે રવિભાણ સંતપરંપરાની સંત ત્રિકમસાહેબે જ્યોત જગાવી ધર્મધ્વજા ફરકાવીને ભજન-જપ-તપથી કરેલી સાધનાના પ્રતાપે રવિભાણ પરંપરાની અહીં જ્યોત પ્રગટતાં ત્રિકમસાહેબના મંદિરની સ્થાપના થઇ અને મોરારિબાપુની કથાનું આયોજન થયું તે સમગ્ર નખત્રાણા તાલુકા સાથે કચ્છનું ગૌરવ છે તેવા અશીર્વચન આપતાં કથાસમિતિના અધ્યક્ષ મહંત રવિભાણ આશ્રમ રામમંદિર-મોટી વિરાણીના સંત શાંતિદાસજી મહારાજે આ વિસ્તારને મળેલા ધર્મકાર્યમાં ભક્તિરસનો જેટલો લૂંટાય એટલો લહાવો લૂંટવા આહ્વાન કર્યું હતું. સંત ત્રિકમસાહેબના જીવનચરિત્ર આધારિત પુસ્તક `તું હી ત્રિકમસાહેબ તું હી તારણહાર’નું વિમોચન મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.
પુસ્તકના આલેખનકર્તા કાંતિભાઇ વઢિયારીનું બાપુના હસ્તે અભિવાદન કરાયું હતું. પ્રથમ દિવસની કથામાં ઉપસ્થિત સંતો કલ્યાણદાસજી મહારાજ, શાંતિદાસજી મહારાજ, સોનલલાલજી મહારાજ, જગજીવનદાસજી, કિશોરદાસજી સાહેબ, દિલીપરાજા કાપડી, જગદીશદાસજી, મુકુલદાસજી, હરિસિંહ દાદા, સેવાદાસજી, કાલીનાથજી, ભક્તિરામ મહારાજ, વીનેશરામ સાધુ આશિષ મારાજ, કાનજી દાદા કાપડી, શિવરામ બાપુ, આઇશ્રી ચંદુમા, દિલીપરાજા કાપડી, દિલીપ દેશમુખ સહિત વિવિધ સંસ્થાનોના સંતો તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, વિધાનસભાના પૂર્વાધ્યક્ષા નીમાબેન આચાર્ય, ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, રામકથા પ્રસંગના મહાપ્રસાદના દાતા તારાચંદભાઇ છેડા પરિવારના જીગર ભાઇ છેડા, વેલજીભાઇ આહીર સહિત શ્રેષ્ઠીઓનું મોરારિબાપુના હસ્તે પુસ્તક-શાલથી સન્માન કરાયું હતું. ધર્મકાર્યમાં હજારોની સંખ્યામાં રામસેવકો સેવાકાર્યમાં લાગી ગયા છે. કથામાં 35000 શ્રોતાઓ બેસી શકે તેમજ 25000 ભાવિકો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી છે. સંચાલન ચંદનસિંહ રાઠોડ (પૂર્વ સરપંચ-નખત્રાણા)એ કર્યું હતું.
મોરારિબાપુએ કહ્યું કે, કચ્છની ભૂમિ એટલે ભજન, ભોજન અને ભાજનની ભૂમિ. અક્ષયતૃતીયાના દિવસે રામકથાનો પ્રારંભ થઇ રહ્યો છે તેથી આ કથાને `માનસ અક્ષયતૃતીયા’ નામનું સ્વરૂપ અપાયું છે.’