બહુમુખી પ્રતિભા એટલે ડો.જ્યંત ખત્રી..

શબ્દસંકલન:- નિકિતા સક્સેના

ડો.જ્યંત ખત્રી
જન્મ ૨૪-૯-૧૯૦૯
મૃત્યુ ૬-૬-૧૯૬૮

કચ્છ ની બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિઓની વાત કરીએતો એ જમાના માં ડો.જ્યંત ખત્રી એ પોતાની અનેક વિશેષતા ઓને કારણે સમગ્ર ગુજરાત ના સાહિત્ય જગત માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લોક ચાહના સાથે કંડારેલ હતું.
આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના પિતામહ ડો.જયંત ખત્રી માત્ર વાર્તાકાર નહીં, એક કામદાર નેતા, માનવતાવાદી તબીબી સેવક, પ્રામાણિક રાજકારણી, મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રઢ વક્તા,સુંદર ચિત્રકાર અને સંગીતપ્રેમી હતા સાચા અર્થમાં તેઓ અનેક માં એક વ્યક્તિ વિષેશ હતા.

ડો.જ્યંત ખત્રી ના જીવન વિશે વાત કરીએ તો અનેક શોખ મિજાજ ધરાવતાં આ વ્યક્તિ જાણે ફિલ્મકાર ગુરુદત્ત ની યાદ દેવડાવતા.હોય તેવા શોખ માં સિગરેટ ની સ્ટાઈલ, ક્લબ અને શાંતિ ના વાતાવરણ મા દરીયા સાથે નો પ્રેમ તેમને વાર્તઓ સુધી ખેંચી જઈ ને સર્જન કરાવાની ઝંખના તરફ લઈ જતો ડૉ.જયંત ખત્રી સારા એવા સહિત્કાર ની સફર આ દરિયા ના ઉછળતા મોજા સાથે શરૂ કરી હતી..તેમના સ્વભાવ ની વિશેષ્ટતાઓમાં તેમની કામણગારી આંખો દરિયા થી પણ ઊંડી હતી, રાત્રી ના સમયે દવાખાનું બંધ કરી ને માંડવી જીમખાના ની મુલાકાતે તેઓ જતાં , અને ત્યાંથી મોડી રાત્રે પાછા ફરતાં ફરતાં દરીયા ની વાટ પકડી ને ઘોર અંધકાર મા હિલોળા લેતા દરિયા ના મોજાઓ સાથે જાણે દોસ્તી કરી અને વિચારો ના વંટોળ માં ખોવાઈ જઈને અનેક પ્રકારના સાહિત્ય સર્જન તેમના દિલ માં દસ્તક દેતા અને બીજા દિવસે એ વિચારોને વાર્તાઓના સ્વરૂપમાં કંડારી નાખતાં તો ક્યારેક મોડી રાત્રે ઘર ની અગાશી ની પાળ પર બેસી ને તેઓ વાયોલિન ના સૂરો ને પ્રેમિકા ના પ્રેમ સુધી લઈ જતાં આ રીતે આભ ના તારાઓ સાથે ખોવાઈ ને વાર્તા ને કંઈ રીતે રૂપ આપવું તે દિલ મા ગોઠવી લેતા.. તથા દરિયા સાથે ગોષ્ટી કરવાની તેમની વિચાર પ્રક્રિયા નો એક શ્રેષ્ઠ ભાગ હતું.તેઓ ની નજીક રહેલા લોકો આજે પણ જ્યંતભાઈ ની વાતો કરતા તેઓની અનેક વિશેષ્ટતાઓ યાદ કરે છે.
ડો.જયંત ખત્રી નું જન્મ ૨૪-૯-૧૯૦૯ મૃત્યુ ૬-૬-૧૯૬૮ (કચ્છ)માં થયો. પ્રાથમિક શિક્ષણ ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. ૧૯૨૮ માં મેટ્રિક. ૧૯૩૫ માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.પી.એસ. થઈ પહેલાં ત્યાં ને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય ની સેવા આપેલ ભૂજમાં અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ થયો. બકુલેશાદિ મિત્રોની સાથે સામ્યવાદી વિચારસરણીના ઘનિષ્ઠ પ્રભાવ હેઠળ આવ્યા. નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ. ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકવિજેતા.
‘ફોરાં’ (૧૯૪૪), વહેતાં ઝરણાં’ (૧૯૫૨) અને ‘ખરા બપોર’ (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં એમની એકતાલીસ વાર્તાઓ છે. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી આઠ વાર્તાઓ અગ્રંથસ્થ છે. ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘હું’, ‘ગંગી અને અમે બધાં’, ‘સિબિલ’ વગેરે વાર્તાઓ વાસ્તવલક્ષી અભિગમને લીધે, તો ‘અમે બુદ્ધિમાનો’, ‘યાદ અને હું’, ‘અમે’, ‘પ્રતાપ ઓ પ્રતાપ !’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, ‘જળ’ વાર્તાઓ વિશિષ્ટ નિરૂપણરીતિ તેમ જ પ્રયોગાત્મક વલણને કારણે ધ્યાન ખેંચે છે. ‘પતંગનું મોત’, ‘માટીનો ઘડો’, ‘નાગ’માં રહસ્યને કલાત્મક રીતે વંયજિત કરવામાં પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ થયો છે, તો ‘ધાડ’, ‘ખરા બપોર’ અને ‘માટીનો ઘડો’માં પ્રદેશવિશેષનું જીવંત તાદ્રશ ચિત્રણ વાર્તા સાથે આંતરસંબંધ પણ ધરાવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ આ બધી વાર્તાઓ ઘટનાપ્રધાન છે. સ્થૂળ અને આકસ્મિક ઘટનાઓનો આધાર પણ લેવાયો છે, પરંતુ દ્રષ્ટિક્ષેપ પાત્રોના ભીતરી વ્યાપારો પર જ હોય છે. એ ભીતરી વ્યાપારોથી પ્રેરિત પ્રતિક્રિયા ફરી કોઈ ગમખ્વાર ઘટના સરજે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓને વાર્તાકાર એવી રીતે આલેખે છે કે એમાંથી ઘણીવાર કલાપોષક સંદિગ્ધતા જન્મે છે. ‘તેજ ગતિ અને ધ્વનિ’ આ દ્રષ્ટિએ નોંધપાત્ર રચના છે. ફોરાં (૧૯૪૪) : જયંત ખત્રીનો પ્રથમ વાર્તાસંગ્રહ. એમાંની ચૌદવાર્તાઓ જુદાં જુદાં સ્તરની છે. ‘યાદ અને હું’, ‘અમે’ અને ‘વરસાદની વાદળી’માં અભિગમ ઊર્મિશીલ છે; તો ‘આનંદનું મોત’ અને ‘બે આની’ વાસ્તવલક્ષી અભિગમવાળી વાર્તાઓ છે. ‘લોહીનું ટીપું’ એમની યશોદાયી કૃતિ છે. એમાં અને ‘દામો અરજણ’, ‘કાળો માલમ’, ‘હીરો ખૂંટ’, ‘બંધ બારણા પાછળ’, ‘અવાજ-અજવાળાં’, ‘શેર માટીની ભૂખ’માં જાતીય વૃત્તિ અને વ્યવહારનું વિભિન્ન દ્રષ્ટિકોણથી આલેખન છે. ‘અમે બુદ્ધિમાનો’ ક્રાંતિ માટે ઉત્સાહી બુદ્ધિમાનોના વ્યવહારમાં રહેલી વાસ્તવ દ્રષ્ટિની ઊણપને, તો ‘એક મહાન મૈત્રી’ સર્જકની સમગ્ર વાર્તાસૃષ્ટિમાં વિરલ હાસ્યરસને નિરુપે છે.ખરા બપોર (૧૯૬૮) : જયંત ખત્રીનો ત્રીજો (છેલ્લો) મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ. ‘ધાડ’ અને ‘ખરા બપોર’ જેવી વાર્તાઓમાં કથ્ય અને પરિવેશને અભિન્ન રાખીને, તો ‘માટીનો ‘ઘડો’ અને ‘નાગ’માં પ્રતીક-કલ્પનની સાદ્યંત ગૂંથણી કરીને વાર્તાકારે પોતાના કલાકસબનો હિસાબ આપ્યો છે. ‘ડેડ એન્ડ’માં વેશ્યાજીવન જીવતી બે સ્ત્રીઓના વૃત્તાંતની ધ્વનિવ્યંજક સહોપસ્થિતિ છે, તો ‘સિબિલ’માં સમયનું સૂક્ષ્મ સંયોજન છે. ‘ખલાસ’માં પુરુષપાત્રના વિચ્છિન્ન ચિત્તવ્યાપારોનું નિરૂપણ છે, તો ‘જળ’, ‘મુક્તિ’ તથા ‘ઈશ્વર છે ?’ અન્યોકિત લેખે ધ્યાન ખેંચે છે. નિરૂપણરીતિના આટલા વૈવિધ્ય સાથે આ કૃતિઓમાં માનવજીવનની સંકુલતા સાથેનું, તેના આવેગો અને વિષમતાઓનું કરુણગર્ભ આલેખન થયું છે.

તેમનો કલાજગત અને સંસ્કૃતિ સાથે નો પ્રેમ ચલચિત્ર જગત ને પણ પ્રેરણા આપતો હતો તેમના સાહિત્ય જીવન ગાથા ને કચકડે કંડારતા ‘ધાડ’ જેવી સરસ વાર્તા ને સંજીવન કરી તેમના પુત્ર કીર્તિ એ ‘ ધાડ ‘ જેવી સરસ ફિલ્મ બનાવી ને સાચા અર્થ મા અધા પ્રત્યે ની નિષ્ઠાના દર્શન કરાવ્યા હતા…

One thought on “બહુમુખી પ્રતિભા એટલે ડો.જ્યંત ખત્રી..

  1. સંપૂર્ણ અહેવાલ વડે પ્રતિભાશાળી ડો.જ્યંત ખત્રી..ના જીવન વિશેની સચોટ જાણકારીનો અનુભવ કરાવ્યો છે…દરેકે દરેક શબ્દરચનાઓ એ શ્રમ માંગી લીધો છે..ખુબ સરસ અહેવાલ ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *