Uttarvahini Parikrama : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ શનિવારે રાતે બે વાગે રામપુરા ખાતેથી પગપાળા પરિક્રમા કરી, વાહનોની એન્ટ્રી બંધ કરાતાં અનેક ભક્તો અટવાયા

Uttarvahini Parikrama : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે શનિવારે મધરાતે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી હતી.જેની વ્યવસ્થા માટે પોલીસ વિભાગે સાંજથી જ વાહનોની એન્ટ્રી બંધ કરી દેતાં અનેક ભક્તોને પરત ફરવું પડયું હતું.
Uttarvahini Parikrama : 16 કિમીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા સંપન્ન થવામાં હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે અને અનેક રાજ્યોમાંથી હજારો ભક્તો નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે, ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ શનિવારે રાતે બે વાગે રામપુરા ખાતેથી પગપાળા પરિક્રમા કરી હતી. પરંતુ મંત્રીની વ્યવસ્થા સંભાળવા માટે પોલીસ તંત્રએ સાત કલાક પહેલાં એટલે કે સાંજે સાત વાગ્યાથી જ વાહનોની એન્ટ્રી બંધ કરી દેતાં અનેક ભક્તોને નિરાશ થવું પડયું હતું.તો કેટલાક ભક્તો વાહનો લઇ પરત ફર્યા હતા.
ગૃહમંત્રીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત તંત્રની જડતાને કારણે દિવસમાં એક વાર પગપાળા અને એકવાર વાહનમાં પરિક્રમા કરતા સાંવરીયા મહારાજના વાહનને પણ તિલકવાડામાં એન્ટ્રી આપવામાં આવી નહતી અને તેને કારણે તેમને પણ નિયમ તોડીને રૃટ બદલાની ફરજ પડી હતી.
ગૃહમંત્રીએ નર્મદા પરિક્રમા કરતાં જ પરિક્રમાવાસીઓ માટે નદી ઓળંગવા માટે બોટમાં રાખેલા લાઇફ જેકેટ્સ બદલાઇ ગયા હતા.હરણી બોટકાંડ બાદ લાઇફ જેકેટ્સ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. પરંતુ ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન બોટમાં રાખવામાં આવેલા જેકેટ્સ ખૂબ જ ગંદા અને દુર્ગંધ મારતા હોવા છતાં ભક્તોને પહેરવા પડે છે. રવિવારે ગૃહમંત્રીએ પરિક્રમા કરતાં તેમની ટીમ માટે નવાનકોર જેકેટ્સ ફાળવવામાં આવ્યા હતા.
ગૃહરાજ્ય મંત્રીએ તેમની પરિક્રમા દરમિયાન ભક્તોને તકલીફ થઇ હોય તો માફી માંગી કહ્યું છે કે,મુખ્યમંત્રીએ મને પરિક્રમાની વ્યવસ્થા જોવાનું કહ્યું છે.જે જોયા બાદ હવે રિવ્યૂ બેઠક લેવાનો છું. જેથી આગામી વર્ષે ચાર ગણી વ્યવસ્થા વધારી શકાય.