ગાંધીધામમાં ડમ્પર ચાલકે ગાડી રીવર્સમાં લેતાં બે વર્ષના માસૂમનું મોત
ગાંધીધામ પૂર્વ કચ્છના માર્ગો પર દોડતા ભારે વાહનોના ચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે, ત્યારે આવી જ એક ઘટનામાં પરિવારને બે વર્ષના બાળકને ગુમાવવો પડ્યો હતો.
સૂત્રો થી મળતી માહિતી મુજબ જીઆઈડીસી પાસે ડમ્પરના ચાલકે ગાડી રિવર્સમાં લેતાં પાછળ બાઈક પર ઉભેલા પિતા- પુત્રને ટક્કર વાગી હતી, જેમાં બે વર્ષનો પુત્ર ટાયર નીચે આવી જતાં ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત આંબી ગયું હતું.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ જીઆઈડીસી ઝુપડા નજીક હાઈવે રોડ પર આ બનાવ બન્યો હતો. શ્રમિક સુરેશભાઈ અમરૂભાઈ મોહનિયાએ જણાવ્યું હતું કે, આરોપી ડમ્પર વાહન નંબર જી.જે. ૧ર એયુ ૭૪૪૦ના ચાલકે પોતાનું વાહન બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ગાડી રિવર્સમાં લેતાં રોડની સાઈડમાં ઉભેલી બાઈકમાં ભટકાઈ હતી. રોડ સાઈડમાં ફરિયાદી સુરેશભાઈ પોતાનું બાઈક નંબર જી.જે. ૯ એન ૮પ૯૧ ઉભુ રાખીને દિકરા બે વર્ષના અમીત સાથે હાજર હતા.
ત્યારે ડમ્પર ચાલકે પાછળ જોયા વગર બાઈકને હડફેટમાં લેતાં અકસ્માત થયો હતો, જેમાં બાઈક તથા બે વર્ષના દિકરા અમીત પર ડમ્પરનું પાછળનું ટાયર ચડાવી દેતાં અમીતને માથાના ભાગે અને પેટના ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત આંબી ગયું હતું, જેથી ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરીને પીએસઆઈ ડી.જી. ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.