ભારત બાયોટેકની સ્વદેશી કોવેક્સિન સહિત સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશિલ્ડ રસીને DCGI દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અંતિમ મહોર લગાવવામાં આવી. બે વેક્સિન ને મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશ.
કોરોના મહામારી સામેની લડતમાં દેશ માટે વધુ એક સુખદ સમાચાર મળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની વિષય નિષ્ણાત સમિતિની બેઠક 1 અને 2 જાન્યુઆરી 2021ના રોજ યોજાઇ હતી અને ભારતીય દવા મહાનિયંત્રક માટે વિચારણા અને અંતિમ નિર્ણય અર્થે આ બેઠકમાં વિશેષજ્ઞો દ્વારા ભારત-બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડને આપાતકાલીન વપરાશ માટે મંજૂરી આપવા માટે ભલામણ કરવામાં આવી હતી. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાને નિયમનકારી શરતોને આધીન પ્રતિબંધિત ઇમરજન્સીની સ્થિતિમાં રસીના ઉપયોગની પરવાનગી માટે ભલામણ કરવામાં આવી હતી. જયારે, હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડને ખાસ કરીને મ્યૂટન્ટ સ્ટ્રેઇનના સંક્રમણના સંદર્ભમાં અતિશય સાવચેતીના ભાગરૂપે જાહેર હિતને ધ્યાનમાં રાખીને, તબીબી પરીક્ષણ મોડમાં પ્રતિબંધિત ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની પરવાનગી માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને ભલામણ કરવામાં આવી હતી. ત્યારે આજે 11 વાગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતમાં વિકસી રહેલી આ બંને વેક્સિનોને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (D.G.C.I) તરફથી આ બંને વેક્સિનોને ઇમર્જન્સી ઉપયોગ માટે સત્તાવાર સ્વીકૃતિ આપવામાં આવી છે. આ સાથે જ, બે વેકશીનને એક સાથે મંજૂરી આપનાર ભારત પ્રથમ દેશ બન્યો છે.