કચ્છના માંડવીના રમણીય બીચ પર આજે રવિવારની રજા હોય મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. બપોરના સમયે ન્હાતી સમયે ત્રણ કિશોર ડૂબવા લાગતા બૂમાબૂમ થઈ ઉઠી હતી. જેમાં બે કિશોરના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે એક કિશોર લાપતા થતા તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પશ્ચિમ કચ્છના રમણીય માંડવી શહેરના દરિયા કિનારે આજે રવિવારે ફરવા આવેલા ત્રણ કિશોર સમુદ્રી લહેરોમાં તણાઈ જતાં ડૂબી ગયા હતા, જેમાં બે કિશોરના મોત નીપજ્યા છે જ્યારે એક તરુણની શોધખોળ ચાલી રહ્યાનું સામે આવ્યું છે. નગરના વલ્લભ નગર ખાતે રહેતા ત્રણ કિશોર રવિવારની રજા માણવા દરિયા કિનારે ફરવા ગયા હતા, જ્યાં સમુદ્રમાં ન્હાવાની મોજ માણતા સમયે અકસ્માતે મોટી લહેરોમાં તણાઈ જવા પામ્યા હતા. બનાવના પગલે સમગ્ર માંડવી સાથે કરછ પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. હાલ પોલીસે પ્રાથમિક માહિતીના આધારે આગની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે ગત રવિવારે પણ મુન્દ્રાની માંડવી બીચ પર ન્હાવાની મજા માણવા આવેલા બે યુવકો પણ લહેરોમાં તણાઈ ગયા હતા જેમાં એન્જિનિયર યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
માંડવી શહેરના વલ્લભનગર ખાતે રહેતા ત્રણ કિશોર આજે રવિવારના દિવસે દરિયા કિનારે ફરવા ગયા હતા જ્યાં દરિયાના પાણીમાં નહાતી વખતે તેઓ કોઈ કારણોસર ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. તરુણોને ડૂબતા જોઈ આસપાસના લોકો અને ધંધાર્થીઓ બચાવના પ્રયાસ હાથ ધર્યા હતા, જેમાં બે કિશોરને પાણીમાંથી બહાર લાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વધુ પડતું પાણી પી જવાથી 15 વર્ષીય મનસુર રમઝાન સુમરા અને 11 વર્ષીય ઓવેશ અબ્દુલ મેમણના મોત નીપજ્યા હોવાનું હાજર તબીબે જાહેર કર્યું હતું. માંડવી પોલીસે હાલ પ્રાથમિક નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે. અલબત્ત હજુ દરિયાના પાણીમાં ગરક થયેલા કિશોરની શોધખોળ ચાલી રહ્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઘટના બાદ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.